ટ્રેન્ડિંગવર્લ્ડ

ફૂટબોલની હરીફાઈ રાજદ્વારી ટક્કરમાં ફેરવાઈ! બ્રાઝિલ-આર્જેન્ટિના વચ્ચે શાબ્દિક ટકરાવ, રાજદૂત પાછા બોલાવાયા

International News: દક્ષિણ અમેરિકાના બે પરંપરાગત હરીફ દેશો બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચેનો તણાવ હવે ફૂટબોલના મેદાનથી આગળ વધીને રાજદ્વારી સંબંધો સુધી પહોંચી ગયો છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઈલી દ્વારા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા (લુલા) અંગે કરાયેલી અપમાનજનક ટિપ્પણીઓ બાદ બ્રાઝિલે કડક વલણ અપનાવ્યું છે.

બ્રાઝિલના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે માઈલીએ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વખત લુલાને ચોર કહી સંબોધ્યા હતા. એટલું જ નહીં, બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અંગે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બ્રાઝિલનું કહેવું છે.

આ નિવેદનો બાદ બ્રાઝિલે આર્જેન્ટિનામાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે અને ત્યાં કાર્યરત રાજદ્વારી સ્ટાફની સંખ્યામાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હાલ બ્રાઝિલના હિતોનું પ્રતિનિધિત્વ માત્ર કાર્યકારી રાજદૂત દ્વારા કરવામાં આવી રહ્યું છે.

બ્રાઝિલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ દ્વારા આવી ભાષાનો ઉપયોગ બંધ નહીં થાય, ત્યાં સુધી સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સામાન્ય સ્થિતિમાં નહીં આવે.

બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઘણા સમયથી

જાણકારોના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2023માં જેવિયર માઈલી સત્તામાં આવ્યા ત્યારથી જ બંને દેશોના સંબંધોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે. વિચારધારાના મતભેદો અને પ્રાદેશિક રાજકારણને કારણે બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદ ઊભા થયા છે.

તાજેતરના કેટલાક રાજદ્વારી નિર્ણયો બાદ સમગ્ર દક્ષિણ અમેરિકાના રાજકીય સમીકરણો પર પણ તેની અસર જોવા મળી રહી છે. વિશ્વ રાજકારણના નિષ્ણાતોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચેનો આ રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બનશે તો તેનો પ્રભાવ વેપાર, પ્રાદેશિક સહયોગ અને લેટિન અમેરિકાની રાજનીતિ પર પણ પડી શકે છે.

આ પણ વાંચોઃ ડીપફેક અને કન્ટેન્ટ ગડબડીઓ પર માર્ક ઝુકરબર્ગે માફી માગી, Metaની ખામીઓ સ્વીકારી
Back to top button