મિડલ ઈસ્ટ યુદ્ધમાં કિમ જોંગ ઉનની એન્ટ્રી? રશિયા અને ચીન પછી હવે ઉત્તર કોરિયાએ ઈરાનને આપ્યો ટેકો

મિડલ ઈસ્ટમાં તણાવ દિવસેને દિવસે વધતો જાય છે. હાલ મધ્ય પૂર્વના યુદ્ધનો 12મો દિવસ ચાલી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ સતત ઇરાન પર હુમલા કરી રહ્યા છે, જ્યારે ઇરાન પણ બંને દેશોને ખુલ્લેઆમ જવાબ આપી રહ્યું છે. આ સંઘર્ષને કારણે પરિસ્થિતિ વધુ વૈશ્વિક બનતી જાય છે.
અત્યાર સુધી રશિયા અને ચીન ખુલ્લેઆમ ઇરાનના સમર્થનમાં જોવા મળ્યા હતા. હવે આ યાદીમાં ઉત્તર કોરિયા પણ જોડાઈ ગયું છે. ઉત્તર કોરિયાએ ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવતા હુમલાઓને ગેરકાયદેસર ગણાવ્યા છે અને તેને ઇરાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું છે.
ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી KCNA મુજબ, ઉત્તર કોરિયા ઇરાનને પોતાના સર્વોચ્ચ નેતાને પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર હોવાની વાત સ્વીકારે છે અને તેનુ સન્માન કરે છે.
આ ઉપરાંત, ગઈકાલે જ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને નવી ક્રુઝ મિસાઇલોના પરીક્ષણ બાદ ઉત્તર કોરિયાના વિનાશક જહાજો પર સુપરસોનિક શસ્ત્રો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે ઉત્તર કોરિયા અને ઇરાન વચ્ચે મિસાઇલ ટેકનોલોજી શેર થતી હોવાના અહેવાલો અગાઉથી મળતા આવ્યા છે. આ કારણસર 2025માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દ્વારા બંને દેશો વચ્ચેના હથિયારોના વેપાર પર પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: હોર્મુઝ નજીક તણાવ વધ્યો: અમેરિકાએ ઈરાનની 16 માઇન બિછાવતી નૌકાઓ નષ્ટ કરી, ટ્રમ્પની કડક ચેતવણી












