નોરા ફતેહીએ દાઉદ ઈબ્રાહિમની ડ્રગ્સ પાર્ટીઓમાં ફસાયાના સમાચાર પર દર્શાવી નારાજગી

- નોરા ફતેહીએ આ સમાચાર પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરીને તેને જૂઠાણું ગણાવ્યું છે અને કહ્યું કે તે આવી પાર્ટીઓમાં હાજરી આપતી નથી
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી Nora Fatehi એ ડ્રગ રેવ પાર્ટીઓ સાથે પોતાનું નામ જોડવાના અહેવાલો પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં ધરપકડ કરાયેલા ડ્રગ તસ્કર મોહમ્મદ સલીમ ઉર્ફે મોહમ્મદ સુહેલ શેખ દ્વારા આયોજિત રેવ પાર્ટીઓમાં નોરા સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ Dawood Ibrahimનો ભત્રીજો અલીશાહ પારકરે પણ આ પાર્ટીઓમાં હાજરી આપી હતી.
નોરા ફતેહીએ આ સમાચાર પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરીને તેને જૂઠાણું ગણાવ્યું છે અને કહ્યું કે તે આવી પાર્ટીઓમાં હાજરી આપતી નથી.
હું આવી પાર્ટીઓમાં નથી જતી, મને નિશાન બનાવવામાં આવે છેઃ નોરા
નોરાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું આવી પાર્ટીઓમાં નથી જતી… હું સતત ફ્લાઇટમાં રહું છું… હું વર્કાહોલિક છું, મારું કોઈ અંગત જીવન નથી. હું આવા લોકો સાથે મારી જાતને જોડતી નથી. મારા રજાના દિવસોમાં હું કાં તો ઘરે હોઉં છું, દુબઈના બીચ પર હોઉં છું અથવા મારા સ્કૂલના મિત્રો સાથે હોઉં છું. હું મારો બધો સમય મારા સપના અને લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં વિતાવું છું.

તેણે આગળ લખ્યું છે કે મારું નામ વારંવાર એક સરળ ટાર્ગેટ બની જાય છે, પરંતુ આ વખતે હું ચૂપ નહીં રહું. પહેલા પણ એક વાર મારા વિશે જુઠ્ઠાણા ફેલાવીને મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો. કૃપા કરીને મારા નામ અને તસવીરને એવી બાબતો સાથે ન જોડો જેનો મારી સાથે કોઈ સંબંધ નથી. તમારે પરિણામ ભોગવવું પડશે!
શું છે આખો મામલો?
તાજેતરમાં મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા ધરપકડ કરાયેલા ડ્રગ્સ તસ્કર મોહમ્મદ સલીમ ઉર્ફે સુહેલ શેખે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તે બોલિવૂડ અને ફેશન ઉદ્યોગની હસ્તીઓ માટે રેવ પાર્ટીઓનું આયોજન કરતો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમનો ભત્રીજો, અલીશાહ પારકર આ પાર્ટીઓમાં હાજરી આપતો હતો.
શેખને ગયા મહિને દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો અને હાલમાં તે એએનસીના ઘાટકોપર યુનિટની કસ્ટડીમાં છે. એએનસીએ હજુ સુધી તે સેલિબ્રિટીઓની પૂછપરછની શક્યતાઓનો ઈનકાર કર્યો નથી, જેમના નામ શેખે કથિત રીતે લીધા છે.
આ પણ વાંચોઃ કૈલાશ ખેર દિલ્હીમાં ધૂમ મચાવવા તૈયાર, જાણો ફ્રી લાઈવ કોન્સર્ટનો શિડ્યુઅલ












