ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીતિશ કુમારે 20 વર્ષ પછી વિધાનસભામાંથી લીધી વિદાય, CM પદથી રાજીનામું આપવા રાખી 4 શરતો

Nitish Kumar Resigns: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે વિધાનસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું. લગભગ 20 વર્ષ બાદ તેઓ વિદાય લઈ રહ્યા છે. પહેલી વાર તેઓ 20 માર્ચ, 2006 ના રોજ વિધાનસભાના સભ્ય બન્યા હતા અને ત્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ ચાર વખત MLC બની ચૂક્યા છે. આ 20 વર્ષ દરમિયાન, તેમણે મુખ્યમંત્રી પદ પણ સંભાળ્યું. હવે, તેઓ રાજ્યસભામાં જઈ રહ્યા છે, જેના માટે તેઓ બિનહરીફ ચૂંટાયા છે, અને તેમનો કાર્યકાળ 10 એપ્રિલથી શરૂ થાય છે.

નીતિન નબીને પણ રાજીનામું આપ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પણ બિહાર વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ પણ રાજ્યસભામાં પણ બિનહરીફ ચૂંટાયા છે. નોંધનીય છે કે નીતિન નબીન બિહારના બાંકેપુરથી ચાર વખત ધારાસભ્ય રહ્યા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે અભિનેતા શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિંહાને 84,000 મતોથી હરાવ્યા હતા. તેમના રાજકીય અનુભવના આધારે, તેમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાજીનામું આપવા માટે નીતિશ કુમારની શરતો

નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ છોડવા માટે ભાજપ સામે શરતો મૂકી દીધી છે. તેઓ કહે છે ભાજપ પહેલા મુખ્યમંત્રીનું નામ જાહેર કરે. ગૃહ મંત્રાલય કોણ સંભાળશે તે નક્કી કરે. વિધાનસભાના અધ્યક્ષ કઈ પાર્ટીના હશે, તે નક્કી કરે. આ ઉપરાંત, કયા વિભાગો કઈ પાર્ટીના ખાતામાં જશે, આ બધા પર પહેલા નિર્ણય કરે. ઉપરોક્ત ચારેય શરતો પુરી થયા પછી જ મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપશે. તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે.

નીતિશ છ મહિના સુધી રહી શકે છે CM

જણાવી દઈએ કે રાજ્યસભાના સભ્ય બન્યા પછી એક દિવસની અંદર રાજ્યમાં કોઈપણ બંધારણીય સભ્યપદ પરથી રાજીનામું આપવું પડે છે. તેથી, નીતિશ કુમારે MLC પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ તેઓ છ મહિના સુધી CM પદ પર રહી શકે છે. સાથે જ નિતીશે દિલ્હીમાં રાજકારણ કરવાની તૈયારી કરી લીધી છે. તેથી, તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદ પણ છોડી શકે છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે ભાજપ શક્ય તેટલી વહેલી તકે બિહારમાં નવી સરકાર રચી દે.

આ પણ વાંચો: શ્રદ્ધા વાકર જેવું મર્ડર: વિશાખાપટ્ટનમમાં પ્રેમિકાના ટુકડા ફ્રિજમાંથી મળ્યા

Back to top button