ગુજરાત

ગુજરાતમાં કુદરતનો બેવડો માર: હોળી પહેલા ગરમી અને માવઠાનો કહેર, ૩ સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો ચિંતિત

ગાંધીનગર 19  ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં હાલ ઋતુચક્ર જાણે પાટા પરથી ઉતરી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૂર્યદેવ અત્યારથી જ આકરા તેવર બતાવી રહ્યા છે. બપોરના સમયે ગરમી લોકોને તોબા કરાવી રહી છે, ત્યાં બીજી તરફ વગર સિઝને આવેલા ‘માવઠા’ના સંકટે ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે.

ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતના વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે, જે ખૂબ જ દુર્લભ ઘટના ગણાય છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ – આ ત્રણેય પરિબળોને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનોની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે અને આકાશ વાદળછાયું રહેશે.

કયા જિલ્લાઓમાં વરસાદી આફત?

૧૮ ફેબ્રુઆરીના રોજ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે ૧૯ ફેબ્રુઆરીથી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન હવામાન ફરી સૂકું થઈ જશે, જેનાથી લાંબા ગાળે રાહત મળશે.

ખેતીપાક પર નુકસાનની તલવાર

ફેબ્રુઆરીના અંતમાં જ્યારે રવિ પાક લણણીના આરે હોય છે, ત્યારે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ‘આફત’ સમાન સાબિત થઈ શકે છે.

  • રવિ પાક: મધ્ય ગુજરાતમાં ઘઉં અને ચણાના પાકને આ વરસાદથી મોટું નુકસાન થઈ શકે છે.

  • રોકડિયા પાક: જીરું અને વરિયાળી જેવા સંવેદનશીલ પાકમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.

  • શાકભાજી: સતત વાદળછાયા વાતાવરણથી શાકભાજીના પાક પણ બગડી શકે છે.

તંત્ર દ્વારા સાવચેતીની સૂચના

હવામાન વિભાગની આગાહીને પગલે તમામ માર્કેટિંગ યાર્ડોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોનો ખેતીપાક પલળે નહીં તે માટે શેડની નીચે સુરક્ષિત રાખવામાં આવે. ખેડૂતોને પણ સલાહ આપવામાં આવી છે કે કાપેલો પાક ખુલ્લામાં ન રાખવો અને જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો મુલતવી રાખવો.

આ પણ વાંચો: જૂનાગઢના માંગરોળના બામણવાડામાં શિક્ષકની નિર્દયતા, 13 વર્ષના માસૂમ વિદ્યાર્થીને બેરહેમીથી ઢોર માર માર્યો

Back to top button