નેશનલ

ચોરી અટકાવવા મુકેલા ઇલેક્ટ્રિક કરંટથી 5 વર્ષના માસૂમ બાળકનું મોત: આરોપીની ધરપકડ

Deoria Electrocution Incident: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના મેલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા બલિયા દક્ષિણ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાલિકે ચોરી અટકાવવાના હેતુથી દરવાજાની જગ્યાએ લોખંડની ફ્રેમવાળી ખાટલી મૂકી તેમાં ઇલેક્ટ્રિક કરંટ વહેતો મુક્યો હતો. રમતા રમતા 5 વર્ષનો માસૂમ બાળક આ કરંટના સંપર્કમાં આવતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં એક નાની બાળકી પણ દાઝી ગઈ હતી.

રમતાં રમતાં લોખંડની ફ્રેમના સંપર્કમાં આવતાં સર્જાયી હોનારત

બલિયા દક્ષિણ ગામના રહેવાસી હંસરાજ હૈદરાબાદમાં કામ કરે છે, જ્યારે તેમની પત્ની સંગીતા દેવી અને 2 પુત્રો ગામમાં રહે છે. તેમનો મોટો પુત્ર કાર્તિક ગામની પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગુરુવારે સાંજે કાર્તિક અન્ય બાળકો સાથે ઘર નજીક રમી રહ્યો હતો. તે દરમિયાન બાળકો પાડોશના એક ઘર પાસે પહોંચ્યા હતા, જ્યાં દરવાજાને બદલે લોખંડની ફ્રેમવાળો પલંગ મૂકાયેલો હતો અને તેમાં વીજળીનો પ્રવાહ ચાલુ હતો. કાર્તિકે આ ફ્રેમને સ્પર્શ કરતાં જ તે વીજળીના સંપર્કમાં આવીને ચોંટી ગયો હતો.

બાળકને હોસ્પિટલ ખસેડાયો પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો

બાળકોની ચીસાચીસ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કોઈક રીતે બાળકને વીજપ્રવાહથી મુક્ત કરી ભાગલપુર પીએચસી (PHC) ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ ત્યાંના તબીબોએ કાર્તિકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ મેલ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના અચાનક અવસાનથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ચોરીના ડરથી ફ્રેમમાં વાયર વણ્યા હોવાની આરોપીએ કરી કબૂલાત

મૃતક બાળકના દાદા કિશુનની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ) હેઠળ કેસ દાખલ કર્યો હતો. મેલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર, તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી શહાબુદ્દીન (મુમતાઝનો પુત્ર) ચોરીના ડરથી લોખંડની ફ્રેમમાં પાતળા વાયર વણીને દરવાજાની જગ્યાએ રાખતો હતો અને તેમાં વીજળીનો પ્રવાહ છોડતો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો

પોલીસે શુક્રવારે ગામમાંથી જ આરોપી શહાબુદ્દીનની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલતાં જણાવ્યું હતું કે તેણે ચોરોને ઘરમાં ઘૂસતા રોકવા માટે આ ખતરનાક કીમિયો અપનાવ્યો હતો. પોલીસે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ ભેગો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ હાલ આ સમગ્ર કેસમાં વધુ પુરાવા એકત્ર કરી કાનૂની કાર્યવાહી આગળ વધારી રહી છે.

આ પણ વાંચો: હિરાસતમાં રહેલા આરોપીને મારવો પોલીસની ફરજ નથી, હાઈકોર્ટની પોલીસને ફટકાર

Back to top button