સ્કોલરશિપથી અભ્યાસ કરી ઓક્સફર્ડ પહોંચ્યા, જાણો ડૉ. રાધાકૃષ્ણનથી જોડાયેલી રસપ્રદ વાતો

Teachers Day : દર વર્ષે 5 સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ (Teachers Day)ઉજવવામાં આવે છે. શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોના સન્માન માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. પરંતુ શું તમે જાણો છો કે 5 સપ્ટેમ્બરની આ તારીખ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ સાથે જોડાયેલી છે?
શિક્ષણ અને દર્શન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ડૉ. રાધાકૃષ્ણનનું માનવું હતું કે શિક્ષકો દેશના ઘડવૈયા અને માર્ગદર્શક છે. શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણને કારણે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સંઘર્ષ વચ્ચે મેળવ્યું શિક્ષણ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના (tamilnadu) તિરુત્તણી ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાથી તેમનું બાળપણ સંઘર્ષમાં પસાર થયું હતું.
તેમ છતાં બાળપણથી જ તેમને અભ્યાસમાં ઊંડો રસ હતો. સ્કોલરશિપની મદદથી તેમણે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી ફિલોસોફીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી.
શિક્ષક તરીકે શરૂ કરી કારકિર્દી
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાધાકૃષ્ણને શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે મૈસૂર યુનિવર્સિટી અને કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
તેઓ માત્ર શિક્ષક જ નહોતા, પરંતુ જાણીતા દાર્શનિક પણ હતા. તેમની શિક્ષણ આપવાની શૈલી એટલી અસરકારક હતી કે દૂર-દૂરથી વિદ્યાર્થીઓ તેમના વ્યાખ્યાનો સાંભળવા આવતા હતા.
બાદમાં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર તરીકે કામ કર્યું અને પશ્ચિમી વિશ્વ સમક્ષ ભારતીય દર્શનને અસરકારક રીતે રજૂ કર્યું.
દેશની રાજનીતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા
ભારતની આઝાદી બાદ ડૉ. રાધાકૃષ્ણને (Sarvepalli Radhakrishnan)દેશની કૂટનીતિ અને રાજકારણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1949થી 1952 દરમિયાન તેઓ સોવિયત સંઘમાં ભારતના રાજદૂત રહ્યા હતા. વર્ષ 1952માં તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા. ત્યારબાદ 1962માં તેમણે દેશના બીજા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો.
શિક્ષણ અને જાહેર જીવનમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને 1954માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શા માટે 5 સપ્ટેમ્બરે ઉજવાય છે શિક્ષક દિવસ?
ડૉ. રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા પાછળ એક લોકપ્રિય પ્રસંગ પણ જણાવવામાં આવે છે.
કહેવાય છે કે એક વખત તેમના કેટલાક વિદ્યાર્થીઓ તેમનો જન્મદિવસ ઉજવવા માટે તેમની પાસે પહોંચ્યા હતા. ત્યારે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસની ઉજવણી કરવાને બદલે આ દિવસ દેશના શિક્ષકોના સન્માન માટે સમર્પિત કરવામાં આવે તો પોતાને વધુ આનંદ થશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેમના આ વિચારને માન આપીને 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ. આજે આ દિવસ દેશભરના શિક્ષકોના યોગદાન અને તેમના પ્રત્યેના આદરને વ્યક્ત કરવાનો ખાસ અવસર બની ગયો છે.
આ પણ વાંચો : શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા અનેક રસપ્રદ પ્રસંગો, જાણીને થશે આશ્ચર્ય












