ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

દિવાળી પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં, ઘીના એકમોમાં તપાસનો ધમધમાટ

Ahmedabad: દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. ફરસાણ અને મીઠાઈના વેપારીઓ પર તવાઈ બોલાવ્યા બાદ તંત્રએ શહેરની સૌથી મોટી અનાજ અને કરિયાણાની માર્કેટ એવી માધુપુરા માર્કેટમાં ઘીના જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓને ત્યાં સામૂહિક ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે રેપિડ ટેસ્ટિંગ કિટ મારફતે સ્થળ પર જ નમૂનાઓની ચકાસણી કરી હતી, જેમાં રાહતજનક બાબત એ રહી કે તમામ 25 એકમોના ઘી શુદ્ધ મળી આવ્યા હતા અને એકપણ સ્થળેથી તત્કાલ ભેળસેળ સામે આવી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બૉડોઇન ટેસ્ટ દ્વારા વનસ્પતિ ઘી અને ચરબીની ભેળસેળની ચકાસણી

આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા સ્થળ પર જ ઘીની ગુણવત્તા પારખવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ‘બૉડોઇન ટેસ્ટ’ (Baudouin Test) કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા હેઠળ હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) અને ફરફ્યુરલ સોલ્યુશનનો ઉપયોગ કરીને ઘીમાં વનસ્પતિ તેલ, તલના તેલ કે અન્ય પશુ ચરબીની હાજરી તપાસવામાં આવે છે. કેમિકલ પ્રક્રિયા દરમિયાન મિશ્રણ લાલ કે ગુલાબી રંગ પકડે તો તેમાં ભેળસેળ સાબિત થાય છે. જોકે, માધુપુરાના 25 એકમોમાં સ્થળ પર કરાયેલા પ્રાથમિક રેપિડ ટેસ્ટિંગ દરમિયાન તમામ નમૂના ગુણવત્તાના માપદંડો પર પાર ઉતર્યા હતા.

વધુ પૃથક્કરણ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

સ્થળ પરના રેપિડ ટેસ્ટમાં સંતોષકારક પરિણામ મળ્યા હોવા છતાં, ઊંડાણપૂર્વકની તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ બ્રાન્ડ્સ અને ખુલ્લા ઘીના શંકાસ્પદ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પુષ્ટિ અને ચોક્કસ પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. લેબ ટેસ્ટનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ગુણવત્તા સંબંધિત ખામી જણાશે, તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 આ પણ વાંચો:‘રાહુલ ગાંધી અસલી સંસદમાં ક્યારેય PM નહીં બની શકે’: અમિત શાહ

તહેવારોમાં નફાખોરી સામે તંત્રની લાલ આંખ

દિવાળીના દિવસોમાં મિષ્ટાન્ન અને ઘીની બનાવટોની ખરીદી ચરમસીમાએ પહોંચતી હોય છે. સામાન્ય નાગરિકો શુદ્ધ સમજીને ખરીદી કરતા હોય છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો વધુ નફો કમાવવાની હોડમાં વનસ્પતિ તેલ કે ભેળસેળિયું ઘી પધરાવી દેતા હોય છે. લોકોના આરોગ્ય સાથે થતા આવા ખિલવાડને રોકવા માટે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દૂધ, માવો અને ઘીના એકમો પર આકસ્મિક દરોડાની ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.

 આ પણ વાંચો: અમ્પાયરના નિર્ણય સામે દલીલ કરવી પડી ભારે, ICCએ બે દિગ્ગજોને ફટકાર્યા

Back to top button