ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મેરઠના ‘નીલા ડ્રમ હત્યાકાંડ’માં આજે સજાનું એલાન! પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસી આપવાની માગ

Meerut Blue Drum Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં ચર્ચામાં રહેલા ‘નીલા ડ્રમ હત્યાકાંડ’માં આજે ગુરુવારે સજાની જાહેરાત થવાની છે. મર્ચન્ટ નેવીના અધિકારી સૌરભ રાજપૂતની હત્યાના કેસમાં તેમની પત્ની મુસ્કાન રાસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને અદાલતે 30 સપ્ટેમ્બરે દોષિત જાહેર કર્યા હતા. હવે બંનેને કઈ સજા ફટકારવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. કેસમાં અભિયોજન પક્ષે બંને દોષિતો માટે મૃત્યુદંડની માગ કરી છે.

22 સાક્ષીઓની જુબાની, 126 વખત સુનાવણી

આ કેસમાં 17 સપ્ટેમ્બરે અદાલતમાં અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. અભિયોજન પક્ષે પરિસ્થિતિજન્ય પુરાવા અને ઘટનાક્રમને આધારે પોતાની દલીલો રજૂ કરી હતી. સૌરભના પરિવાર તરફથી કેસ લડી રહેલા વકીલ વિજય બહાદુરના જણાવ્યા અનુસાર, પરિવાર તરફથી કુલ 22 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં સૌરભના ભાઈ બબલુ, માતા અને મિત્રોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ડ્રમ, દવાઓ, છરી, સિમેન્ટ અને રેતી ખરીદવામાં આવી હતી તે દુકાનોના વેપારીઓની પણ જુબાની લેવામાં આવી હતી. હત્યા પહેલાંની તૈયારીઓ અને ઘટનાના પગલે આરોપીઓ શિમલા ગયા હતા તે સંબંધિત પુરાવા પણ અદાલતમાં રજૂ કરાયા હતા.

જેલમાં મુસ્કાનને મળવા પરિવારનું કોઈ સભ્ય આવ્યું નથી

મેરઠ જેલના અધિક્ષક વીરેન્દ્ર રાજ શર્માએ જણાવ્યું હતું કે મુસ્કાન અને સાહિલને નશાની લતમાંથી બહાર લાવવા શરૂઆતમાં મુશ્કેલીઓ પડી હતી. આ પ્રક્રિયામાં ત્રણથી ચાર મહિના લાગ્યા હતા.

જેલ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે, સાહિલને મળવા પહેલાં તેની દાદી આવતી હતી અને બાદમાં તેનો ભાઈ પણ મળવા આવવા લાગ્યો હતો. જોકે, અત્યાર સુધી મુસ્કાનને મળવા તેના પરિવારનો કોઈ સભ્ય જેલમાં આવ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બરમાં જેલમાં દીકરીને જન્મ આપ્યા બાદ મુસ્કાન ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળી છે. તે પોતાની આશરે સાડા છ વર્ષની દીકરીને મળવા માગે છે, પરંતુ દીકરી હાલમાં તેની માતાને મળવા ઇચ્છતી નથી. મુસ્કાનને પરિવારને પત્ર લખીને દીકરી સાથે મુલાકાતની વિનંતી કરવાની સલાહ આપવામાં આવી છે. જેલ અધિક્ષકના જણાવ્યા અનુસાર, મુસ્કાન અને સાહિલ બંને કેસની હાલની સ્થિતિથી વાકેફ છે.

શું હતી નીલા ડ્રમ હત્યાકાંડની આખી ઘટના?

અભિયોજન પક્ષના જણાવ્યા અનુસાર, સૌરભ રાજપૂત 24 ફેબ્રુઆરી, 2025ના રોજ લંડનથી મેરઠ પરત આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ ઘરે મુસ્કાનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે 28 ફેબ્રુઆરીએ તેમની દીકરી પીહુનો જન્મદિવસ હતો.

આરોપ મુજબ, 3 માર્ચ, 2025ના રોજ સૌરભને ઊંઘની દવા આપ્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહના ટુકડા કરીને સિમેન્ટ ભરેલા વાદળી રંગના ડ્રમમાં છુપાવવામાં આવ્યા હતા. 4 માર્ચે મુસ્કાન દીકરીને તેના પિયર મૂકી સાહિલ સાથે શિમલા જતી રહી હતી. આરોપ છે કે તેણે સૌરભના ફોન પરથી સંદેશા મોકલી પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

17 માર્ચે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ઘરમાં રાખેલા નીલા ડ્રમમાંથી મૃતદેહના ટુકડા કબજે કર્યા હતા અને ત્યારબાદ મુસ્કાન તથા સાહિલની ધરપકડ કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવે અદાલતના નિર્ણયની રાહ

આ કેસની સુનાવણી માર્ચ 2025થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલી હતી. અદાલતમાં કુલ 126 વખત સુનાવણી થઈ હતી અને 22 સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. 30 સપ્ટેમ્બરે બંનેને દોષિત જાહેર કર્યા બાદ સજા નક્કી કરવા માટે સમય આપવામાં આવ્યો હતો.

હવે સજાની જાહેરાત સાથે આ ચર્ચિત હત્યા કેસમાં આગળનું મહત્ત્વપૂર્ણ ન્યાયિક પગલું લેવામાં આવશે. અભિયોજન પક્ષે મૃત્યુદંડની માગ કરી છે, પરંતુ અંતિમ સજા અંગેનો નિર્ણય અદાલત જ કરશે.

આ પણ વાંચો: ‘નાના પાટેકર મોતનું નાટક રચીને વિદેશ ભાગી ગયો છે’: તનુશ્રી દત્તાએ અંતિમ સંસ્કાર પર પણ સવાલ ઉઠાવ્યા

Back to top button