ચારધામની યાત્રા બની કાળમુખી: ઉત્તરકાશીમાં સુરતના પરિવારને અકસ્માત, ઈનોવા નદીમાં ખાબકતાં 4નાં મોત

Uttarkashi Gangotri Highway Accident: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગંગોત્રી નેશનલ હાઈવે પર સાત લોકો સવાર ઈનોવા કાર ઊંડી ખીણમાં ખાબક્યા બાદ ભાગીરથી નદીમાં પડી હતી. અકસ્માતમાં ડ્રાઈવર સહિત ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે બે મહિલાઓ લાપતા છે. એક કિશોરને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકોમાં સુરતના પટેલ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
31 ઓક્ટોબરે સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યો હતો પરિવાર
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શિવાલિક રેસિડેન્સીમાં રહેતા અને વકીલાત કરતા અશોકભાઈ પટેલ તેમના પત્ની સુધાબેન, પુત્રી રૂતિકા, પુત્ર વેદાંત અને અન્ય સંબંધીઓ સાથે 31 ઓક્ટોબરે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. પરિવાર ધાર્મિક સ્થળોનાં દર્શન કરવા ઉત્તરાખંડ પહોંચ્યો હતો. ગુરુવારે સવારે ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક તેમની ઈનોવા કાર અકસ્માતનો ભોગ બની હતી.
ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડી કાર
ગુરુવારે સવારે આશરે સાત વાગ્યે ગંગનાની નજીક ઈનોવા કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી હતી. ત્યારબાદ કાર ભાગીરથી નદીમાં પડી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ, SDRF, NDRF અને એમ્બ્યુલન્સ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓએ નદીકાંઠેથી ચાર મૃતદેહ બહાર કાઢ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
અશોકભાઈ પટેલ અને પુત્રી રૂતિકાનું મોત, પત્ની લાપતા
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ અંગે બહાર આવેલી વિગતો મુજબ, સુરતના અશોકભાઈ પટેલ અને તેમની 19 વર્ષીય પુત્રી રૂતિકાનું મોત થયું છે. આ ઉપરાંત ગુજરાતના ઘનશ્યામભાઈ સરવાળિયા અને હરિદ્વારના કારચાલક સુરેન્દ્રસિંહનું પણ મૃત્યુ થયું છે. અશોકભાઈનાં પત્ની 45 વર્ષીય સુધાબેન પટેલ અને 34 વર્ષીય કિરણબેન પટેલ લાપતા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. અશોકભાઈના 17 વર્ષીય પુત્ર વેદાંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને બચાવી લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખબરઅંતર પૂછવા ફોન કર્યો તો પોલીસે અકસ્માતની જાણ કરી
સુરતમાં પટેલ પરિવારના પડોશીએ જણાવ્યું હતું કે પરિવાર ચારધામની યાત્રાએ ગયો હતો. ગંગોત્રીમાં હતા ત્યારે પરિવારના સભ્યોએ દર્શન કરાવ્યાં હતાં. ત્યારબાદ તેમની સાથે વધુ વાતચીત થઈ નહોતી. પરિવારના ખબરઅંતર જાણવા ફોન કરતાં અકસ્માત અંગે પોલીસ તરફથી જાણકારી મળી હતી. દુર્ઘટનાના સમાચાર મળતાં પરિવારના પાડોશીઓ અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

પુત્રી સરકારી નોકરીની તૈયારી કરતી હતી
અશોકભાઈ પટેલ સુરતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. તેમની પુત્રી રૂતિકાએ BCA સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહી હતી. જ્યારે પુત્ર વેદાંત ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. પટેલ પરિવાર મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા પચ્છમ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.
દરરોજ વહેલી સવારે મહાદેવની પૂજા કરવા જતાં સુધાબેન
પરિવારના પરિચિત પિન્ટુબેને જણાવ્યું હતું કે પટેલ પરિવાર ધાર્મિક અને આનંદી સ્વભાવનો હતો. સુધાબેન દરરોજ વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે ઊઠીને કાંતારેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરવા જતાં હતાં. આ પ્રકારની દુર્ઘટના બનશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. અકસ્માતના સમાચાર સાંભળીને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
અન્ય ગુજરાતી મહિલા પણ લાપતા, પરિવાર ચિંતામાં
આ યાત્રામાં સામેલ કિરણબેન પટેલ પણ અકસ્માત બાદ લાપતા હોવાનું સામે આવ્યું છે. તેમના પરિવારજનો વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તરકાશી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ બચાવ ટીમો નદીમાં ગુમ થયેલી મહિલાઓની શોધખોળ કરી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.











