અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધનતેરસે અમદાવાદના જ્વેલરી બજારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ચોર-લૂંટારુઓ પર CCTVથી નજર

Ahmedabad Dhanteras Jewellery Market Security: ધનતેરસના શુભ પર્વે સોના-ચાંદી અને કિંમતી આભૂષણોની ખરીદી માટે અમદાવાદના જ્વેલરી બજારોમાં ગ્રાહકોની ભીડને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ખાસ કરીને સીજી રોડ, શિવરંજની ચાર રસ્તા, નવરંગપુરા અને માણેકચોક જેવા મુખ્ય જ્વેલરી બજારોમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. તહેવારની ભીડનો લાભ ઉઠાવી ચોરી, ચેઈન સ્નેચિંગ અને લૂંટ જેવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની સાથે CCTV સર્વેલન્સ દ્વારા પણ શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવશે.

સીજી રોડથી માણેકચોક સુધી પોલીસનો કડક પહેરો

ધનતેરસના દિવસે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ કારણે અમદાવાદના મોટા જ્વેલરી શોરૂમથી લઈને પરંપરાગત સોના બજારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચે છે. ખાસ કરીને રોકડ રકમ અને કિંમતી દાગીના સાથે અવરજવર કરતા ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. શહેરના સીજી રોડ, શિવરંજની, નવરંગપુરા અને માણેકચોક સહિતના વિસ્તારોમાં વધારાના પોલીસ કર્મચારીઓ તહેનાત કરવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય બજારો અને જ્વેલરી શોરૂમની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

રીઢા ગુનેગારોના ફોટા CCTV સર્વેલન્સ સાથે જોડાયા

અમદાવાદ શહેરના સેક્ટર-1ના સંયુક્ત પોલીસ કમિશનર નીરજકુમાર બડગુજરના જણાવ્યા અનુસાર જ્વેલરીની દુકાનો વધુ હોય તેવા વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સંબંધિત પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લૂંટ, ચેઈન સ્નેચિંગ અને અન્ય ગુનાઈત પ્રવૃત્તિઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓના ફોટોગ્રાફ્સ શહેરના CCTV સર્વેલન્સ નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી અગાઉ ગુનામાં સંડોવાયેલા શખ્સોની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં પોલીસને મદદ મળશે.

જ્વેલરી શોરૂમ અને પાર્કિંગમાં સાદા કપડાંમાં પોલીસ

મોટા મોલ, જ્વેલરી શોરૂમ અને ભીડભાડવાળા બજારોમાં સુરક્ષા વધારવા માટે સાદા કપડાંમાં પણ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ સામાન્ય લોકોની વચ્ચે રહીને શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમની હિલચાલ પર નજર રાખશે. ચઆ ઉપરાંત, વાહનચોરીની ઘટનાઓ અટકાવવા માટે જ્વેલરી શોરૂમ અને મોલની આસપાસના પાર્કિંગ વિસ્તારોમાં પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે.

આંતરરાજ્ય ગુનાઈત ટોળકીઓ પર પણ પોલીસની નજર

તહેવારો દરમિયાન કેટલાક ગુનાઈત ટોળકીઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને ભીડભાડવાળા બજારોને નિશાન બનાવતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. આથી અમદાવાદમાં બહારથી આવતી શંકાસ્પદ ટોળકીઓ પર નજર રાખવા આંતરરાજ્ય પોલીસ સંકલન નેટવર્ક પણ સક્રિય કરવામાં આવ્યું છે. પાડોશી રાજ્યોની પોલીસ સાથે માહિતીની આપ-લે કરીને સંભવિત ગુનાઈત પ્રવૃત્તિઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગ્રાહકો અને વેપારીઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા

ધનતેરસ અને દિવાળીના તહેવારો દરમિયાન જ્વેલરીના વેપારીઓ તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકોની સલામતી જળવાઈ રહે તે માટે શહેર પોલીસે વિશેષ આયોજન કર્યું છે. પોલીસ પેટ્રોલિંગ, CCTV સર્વેલન્સ, સાદા કપડાંમાં પોલીસ કર્મચારીઓની તહેનાતી અને વાહનોના ચેકિંગ દ્વારા ગુનાઈત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે સોના-ચાંદીની ખરીદી માટે જતા ગ્રાહકોએ પણ ભીડભાડવાળા સ્થળોએ પોતાના દાગીના, રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ₹5ના ચિપ્સના પેકેટનું વજન ઘટવા છતાં કંપનીને માત્ર 15 પૈસાનો નફો, હવે આગળ શું?
Back to top button