ભાજપ-AIMIMની કથિત નિકટતા ફરી ચર્ચામાં: AIMIM અમદાવાદ શહેર પ્રમુખ કરશે AMCની મકતમપુરા જિમ-લાઇબ્રેરીનું સંચાલન

Political Buzz in Ahmedabad: જાહેર મંચો પર ભાજપ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એકબીજા સામે આક્રમક નિવેદનો આપતી જોવા મળે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નિર્ણયથી બંને પક્ષો વચ્ચેની કથિત નિકટતાને લઈને ફરી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. મકતમપુરા વોર્ડમાં બનાવવામાં આવેલા નવા જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું સંચાલન AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એજાઝ ખાન હમીદખાન પઠાણને સોંપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
AMCની કમિટીએ દરખાસ્તને આપી મંજૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીની બેઠકમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ બંને સુવિધાઓ PPP (Public Private Partnership) મોડલ હેઠળ વાર્ષિક 6.01 લાખ રૂપિયાના ભાડે 5 વર્ષ માટે આપવામાં આવશે. 5 વર્ષ બાદ કામગીરીની સમીક્ષા કરીને વધુ 3 વર્ષ માટે સમયગાળો લંબાવવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
જિમ્નેશિયમ અને લાઇબ્રેરીના સંચાલન માટે પસંદ થયેલા એજાઝ ખાન હમીદખાન પઠાણ AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ છે અને તેઓ અગાઉ મકતમપુરા વોર્ડમાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. એક તરફ ભાજપ અને AIMIM જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે છે, ત્યારે બીજી તરફ AMC દ્વારા આ દરખાસ્ત મંજૂર થતાં સ્થાનિક રાજકારણમાં તર્કવિતર્ક શરૂ થયા છે.
આ પણ વાંચોઃ 61મા બર્થડે પર કિંગ ખાનનું સરપ્રાઇઝ, મન્નતની બાલ્કનીમાંથી ફેન્સ પર વરસાવ્યો પ્રેમ!
“એજાઝ ખાન એકમાત્ર ટેન્ડર ભરનાર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થયો હતો”: કમિટી ચેરમેન
આ સમગ્ર મામલે રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીના ચેરમેને ટેન્ડર પ્રક્રિયાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે કોઈ એજન્સી આગળ આવી ન હતી. ત્યારબાદ બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં એકમાત્ર ટેન્ડર ભરનાર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થયો હતો.
“આ ટેન્ડર સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી”: AIMIM શહેર પ્રમુખ
બીજી તરફ, AIMIMના શહેર પ્રમુખ એજાઝ ખાન હમીદખાન પઠાણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “મેં જ્યારે ટેન્ડર ભર્યું હતું ત્યારે હું પક્ષના કોઈ હોદ્દા પર ન હતો. આ ટેન્ડરને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અગાઉ હું જિમ ચલાવતો હતો અને તેના ટેક્સ પણ ભર્યા છે. હાલમાં પણ હું જિમમાં પર્સનલ ટ્રેનર તરીકે લોકોને તાલીમ આપું છું.”
6 થી 7 મહિના પહેલાં બનીને તૈયાર થયું હતું જિમ
મકતમપુરા વોર્ડમાં જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું બાંધકામ અંદાજે 6 થી 7 મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયું હતું. પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એજન્સી ન મળતાં સુવિધાઓ શરૂ કરવામાં વિલંબ થયો હતો. હવે બીજી ટેન્ડર પ્રક્રિયામાં એકમાત્ર બીડર ક્વોલિફાય થતાં બંને સુવિધાઓના સંચાલનનો માર્ગ મોકળો થયો છે.
આ પણ વાંચોઃ અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર: રાહુલ ગાંધીની રેલીને ગણાવી ‘ઘુસણખોર બચાવો રેલી’












