મિડલ ક્લાસમાં આ કારની બોલબાલા, સપ્ટેમ્બરમાં 1.81 લાખથી વધુનું વેચાણ

Maruti Car Sales : ભારતીય કાર બજારમાં મારુતિ સુઝુકી (Maruti Suzuki)નું વેચાણ સપ્ટેમ્બર 2026માં નોંધપાત્ર રીતે વધ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર દરમિયાન 1,81,838 પેસેન્જર વાહનો (Passenger Vehicles) વેચ્યા છે. સપ્ટેમ્બર 2025માં કંપનીનું પેસેન્જર વાહનોનું વેચાણ 1,32,820 યુનિટ હતું. આ રીતે એક વર્ષમાં વેચાણમાં 36.91 ટકાનો વધારો નોંધાયો છે. ઓગસ્ટ 2026ની સરખામણી કરીએ તો પણ મારુતિના વેચાણમાં વધારો થયો છે. ઓગસ્ટમાં કંપનીએ 1,76,971 પેસેન્જર વાહનો વેચ્યા હતા. એટલે કે સપ્ટેમ્બરમાં વેચાણ 4,867 યુનિટ વધ્યું છે. તહેવારોની સિઝન શરૂ થતાં કારોની માંગમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.
કુલ વેચાણ પણ 2.36 લાખ યુનિટને પાર
મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનો ઉપરાંત લાઇટ કમર્શિયલ વાહનો (LCV), અન્ય કંપનીઓને કરવામાં આવેલી સપ્લાય અને નિકાસ સહિત કુલ 2,36,013 વાહનોનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીનું કુલ વેચાણ 1,89,665 યુનિટ હતું. તેની સરખામણીમાં આ વર્ષે કુલ વેચાણમાં 24.44 ટકાનો વધારો થયો છે. કંપનીના કુલ વેચાણમાં પેસેન્જર વાહનોની વધેલી માંગનો મોટો ફાળો રહ્યો છે.
યુટિલિટી વાહનોની માંગમાં મોટો વધારો
સપ્ટેમ્બરમાં મારુતિના યુટિલિટી વાહનો (Utility Vehicles)નું વેચાણ 78,911 યુનિટ રહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ સેગમેન્ટમાં 48,695 વાહનો વેચાયા હતા. એટલે કે આ વર્ષે વેચાણમાં 62.05 ટકાનો વધારો થયો છે. આ સેગમેન્ટમાં બ્રેઝા, અર્ટિગા, ઈ-વિટારા, ફ્રોન્ક્સ, ગ્રાન્ડ વિટારા, ઈન્વિક્ટો, જિમ્ની, વિક્ટોરિસ અને XL6 જેવા મોડલનો સમાવેશ થાય છે.
કોમ્પેક્ટ કારના વેચાણમાં પણ વૃદ્ધિ
મિની, કોમ્પેક્ટ અને મિડસાઇઝ કાર (Mini, Compact and Midsize Cars)ના સેગમેન્ટમાં પણ કંપનીનું વેચાણ વધ્યું છે. સપ્ટેમ્બર 2026માં આ કેટેગરીમાં 91,887 વાહનો વેચાયા હતા. ગયા વર્ષે સમાન મહિનામાં 74,090 યુનિટનું વેચાણ થયું હતું.આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 24.02 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ કેટેગરીમાં ઓલ્ટો, બલેનો, સેલેરિયો, સિયાઝ, ડિઝાયર, ઇગ્નિસ, એસ-પ્રેસો, સ્વિફ્ટ અને વેગનઆર જેવા મોડલ સામેલ છે.મારુતિની ઈકો વેન (Eeco)ના વેચાણમાં પણ વધારો થયો છે. સપ્ટેમ્બરમાં કંપનીએ 11,040 ઈકો વેન વેચી હતી, જ્યારે સપ્ટેમ્બર 2025માં 10,035 યુનિટનું વેચાણ થયું હતું. આ રીતે ઈકોના વેચાણમાં 10.01 ટકાની વૃદ્ધિ થઈ છે.
નિકાસમાં પણ વધારો નોંધાયો
સપ્ટેમ્બર દરમિયાન મારુતિ સુઝુકીની નિકાસ (Export) 4.77 ટકા વધીને 44,219 યુનિટ થઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ 42,204 વાહનોની નિકાસ કરી હતી. લાઇટ કમર્શિયલ વાહન સુપર કેરી (Super Carry)નું વેચાણ પણ 18.09 ટકા વધીને 3,414 યુનિટ થયું છે. જોકે અન્ય કંપનીઓને કરવામાં આવતી સપ્લાયમાં ઘટાડો નોંધાયો છે. ટોયોટાને કરવામાં આવેલી સપ્લાય 11,750 યુનિટથી ઘટીને 6,542 યુનિટ થઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ત્રીજા ક્વાર્ટરમાં 6.96 લાખથી વધુ વાહનો વેચાયા
જુલાઈથી સપ્ટેમ્બર 2026 સુધીના ત્રીજા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનું કુલ વેચાણ 6,96,654 યુનિટ રહ્યું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 5,50,874 યુનિટ વેચ્યા હતા. એટલે કે વાર્ષિક ધોરણે કુલ વેચાણમાં 26.46 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ 38.11 ટકા વધીને 5,55,012 યુનિટ થયું છે. લાઇટ કમર્શિયલ વાહનોનું વેચાણ 23.46 ટકા વધીને 10,441 યુનિટ રહ્યું છે. બીજી તરફ, ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની નિકાસ 2.14 ટકા ઘટીને 1,08,119 યુનિટ રહી છે.












