ટ્રેન્ડિંગબિઝનેસ

દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું, પરંતુ FMCG બજારમાં વેચાણને બ્રેક

FMCG Sales Slowdown : ભારતીય અર્થતંત્ર માટે ઔદ્યોગિક ક્ષેત્રમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલને લઈને ચિંતાઓ વચ્ચે ઓગસ્ટ મહિનામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં (Industrial Production) 8 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO)ના આંકડા અનુસાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં મોટો ઉછાળો આવ્યો છે.

ઓગસ્ટમાં IIP વૃદ્ધિ દર 8 ટકા રહ્યો છે. છેલ્લા 29 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં આટલી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. આ પહેલાં જૂન મહિનામાં IIPમાં 8.8 ટકાનો વધારો નોંધાયો હતો.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધાર્યું ઉત્પાદન

IIPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો સૌથી વધુ, આશરે 77.6 ટકા છે. આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને કંપનીઓએ ઓગસ્ટથી જ ઉત્પાદન વધારવાનું શરૂ કરી દીધું હતું. ઓટોમોબાઈલ (Automobile), ઈલેક્ટ્રોનિક્સ (Electronics), ટેક્સટાઈલ (Textile) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (Consumer Durables) ક્ષેત્રમાં ઉત્પાદન વધવાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો ફાયદો થયો છે. ટીવી, ફ્રિજ જેવા ઘરગથ્થુ ઉપકરણો ઉપરાંત વાહનોના ઉત્પાદનમાં પણ તેજી જોવા મળી છે.

વીજળી ક્ષેત્રના પ્રદર્શનમાં પણ સુધારો

ઓગસ્ટ દરમિયાન મેન્યુફેક્ચરિંગની સાથે વીજળી અને ગેસ સપ્લાય (Electricity & Gas Supply) ક્ષેત્રના પ્રદર્શનમાં પણ સુધારો નોંધાયો છે. જોકે પાણી પુરવઠો, સીવેજ અને વેસ્ટ મેનેજમેન્ટ (Water Supply, Sewerage & Waste Management) ક્ષેત્રની ગતિ ધીમી રહી હતી.

બીજી તરફ માઈનિંગ અને ક્વૉરીંગ (Mining & Quarrying) ક્ષેત્રમાં ઘટાડો વધુ જોવા મળ્યો છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રના તમામ ભાગોમાં એકસરખી તેજી જોવા મળી નથી.

FMCG માર્કેટમાં વેચાણ ધીમું પડ્યું

એક તરફ ફેક્ટરીઓમાં ઉત્પાદન વધી રહ્યું છે, તો બીજી તરફ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના બજારમાં માગ નબળી પડી રહી છે. NielsenIQના અહેવાલ મુજબ જૂન ત્રિમાસિક દરમિયાન ભારતમાં FMCG (Fast Moving Consumer Goods) વસ્તુઓના કુલ વેચાણમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ અસર માત્ર કેટલીક વસ્તુઓ સુધી મર્યાદિત રહી નથી. સાબુ, વોશિંગ પાઉડર, રિફાઇન્ડ ઓઈલ, બિસ્કિટ અને નમકીન સહિત આશરે 68 ટકા FMCG કેટેગરીમાં વેચાણની ગતિ ધીમી પડી છે.

ગ્રામીણ બજારમાં પણ ખરીદી ઘટી

ગ્રામીણ વિસ્તારોમાં FMCGની માંગ પર પણ અસર જોવા મળી છે. અહેવાલ પ્રમાણે ગ્રામ્ય ભારતમાં FMCG વેચાણમાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ચોમાસાની નબળી શરૂઆત અને ખેતીના વધતા ખર્ચને કારણે ગ્રામ્ય આવક પર અસર પડી હોવાનું જણાવાયું છે.

ભાવ વધારાની અસર ગ્રાહકો પર

FMCG કંપનીઓ સામે વધતા ખર્ચનો પડકાર પણ છે. ખર્ચમાં વધારો થતાં કંપનીઓએ કેટલીક વસ્તુઓના ભાવમાં 2.8 ટકા સુધીનો વધારો કર્યો છે. ભાવ વધારાને કારણે ગ્રાહકોએ કેટલીક વસ્તુઓની ખરીદીમાં ઘટાડો કર્યો છે. પરિણામે FMCG માર્કેટમાં વેચાણના મૂલ્યમાં વૃદ્ધિ માત્ર 0.8 ટકા સુધી સીમિત રહી છે. આમ, દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ રોજિંદા વપરાશની વસ્તુઓ માટેની ગ્રાહક માંગ હજુ પણ દબાણ હેઠળ છે.

આ પણ વાંચો : તમિલનાડુમાં નવજાત બાળકોને મળશે 1 ગ્રામ સોનાની વીંટી, CM વિજયે શરૂ કરી ‘થાઈ મામન થંગા મોથિરમ’ યોજના

Back to top button