તમિલનાડુમાં નવજાત બાળકોને મળશે 1 ગ્રામ સોનાની વીંટી, CM વિજયે શરૂ કરી ‘થાઈ મામન થંગા મોથિરમ’ યોજના

Tamilnadu CM Vijay: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે 28 સપ્ટેમ્બરે મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં નવજાત બાળકો માટેની ‘થાઈ મામન થંગા મોથિરમ’ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યની સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જન્મેલા પાત્ર નવજાત બાળકોને 22 કેરેટની 1 ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે.
મદુરાઈમાં યોજનાના લોન્ચિંગ દરમિયાન મુખ્યમંત્રીએ અનેક નવજાત બાળકોને પોતાની હાથે સોનાની વીંટી પહેરાવી હતી. સરકારના જણાવ્યા મુજબ, આ યોજના માતૃત્વનું સન્માન કરવા, સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિને પ્રોત્સાહન આપવા અને જાહેર આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધારવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.
22 જૂનથી જન્મેલા બાળકોને પણ મળશે લાભ
તમિલનાડુ સરકારની માહિતી મુજબ, 22 જૂન 2026ના બપોરે 12 વાગ્યા બાદ સરકારી હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જન્મેલા પાત્ર નવજાત બાળકોને આ યોજનાનો લાભ મળશે.
પ્રથમ તબક્કામાં 1.28 લાખ સોનાની વીંટીઓ તૈયાર
યોજનાના પ્રથમ તબક્કામાં 1.28 લાખ સોનાની વીંટીઓ તૈયાર કરવામાં આવી છે. દરેક વીંટી પર અલગ યુનિક સિરિયલ નંબર હશે અને વીંટીઓને ટેમ્પર-પ્રૂફ પેકેજિંગમાં આપવામાં આવશે, જેથી વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.
સરકારે આ યોજના માટે વાર્ષિક ₹755.83 કરોડનું બજેટ ફાળવ્યું છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર દર વર્ષે આશરે 4.41 લાખ નવજાત બાળકોને આ યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોણ લઈ શકશે લાભ?
યોજનાના પાત્ર લાભાર્થીઓ માટે માતાનું તમિલનાડુનું કાયમી રહેવાસી હોવું અને PICME (Pregnancy and Infant Cohort Monitoring and Evaluation)માં નોંધણી તથા RCH ID હોવી જરૂરી છે.
રાજ્યમાં યોજનાના અમલીકરણ માટે 107 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અહીં નવજાત બાળકોને સોનાની વીંટીનું વિતરણ કરવામાં આવશે.
તમિલ પરંપરા સાથે જોડાયેલી છે યોજના
તમિલનાડુમાં બાળકના જન્મ પ્રસંગે મામા તરફથી ભેટ આપવાની પરંપરા છે. ‘થાઈ મામન’ એટલે માતાનો ભાઈ. આ સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખીને યોજનાનું નામ ‘થાઈ મામન થંગા મોથિરમ’ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 10 કે 11 ઓક્ટોબર, ક્યારથી શરુ થાય છે નવરાત્રી? જાણો ઘટસ્થાપનના મુહૂર્ત અને નોરતાનું કેલેન્ડર












