Navratri 2026: અમદાવાદના ખેલૈયાઓને મોજ પડી જાય એવા સમાચાર

Ahmedabad Metro Timing In Navratri : અમદાવાદમાં (Ahmedabad) નવરાત્રિ (Navratri) દરમિયાન ગરબે ઘૂમતા ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે. મોડી રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતા લોકોને પરિવહનની મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
GMRC દ્વારા જાહેર કરેલી માહિતી મુજબ, 14થી 19 ઑક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) રાત્રે 2 વાગ્યા સુધી દોડશે. સામાન્ય દિવસોમાં મેટ્રો સેવા સવારે 6:20થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે. જોકે, નવરાત્રિના ઉત્સવને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે પણ મુસાફરોને મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રણ કોરિડોર પર મેટ્રોની વધારાની સેવા
1. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ
આ રૂટ પર રાત્રે 30 મિનિટના અંતરે ટ્રેનો દોડશે. વસ્ત્રાલ ગામથી રાત્રે 11:30, 12:00, 12:30, 1:00, 1:30 અને 2:00 વાગ્યે ટ્રેન ઉપડશે. થલતેજ ગામથી 11:42, 12:12, 12:42, 1:12, 1:42 અને 2:12 વાગ્યે ટ્રેન મળશે.
Ahmedabad Metro services extended during Navratri from 14–19 October 2026 https://t.co/4Vx3AQoSpV
— Gujarat Metro Rail Corporation (GMRC) Limited (@MetroGMRC) October 14, 2026
2. APMCથી કોટેશ્વર રોડ
આ કોરિડોર પર પણ 30 મિનિટના અંતરે મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. APMCથી રાત્રે 11:44, 12:14, 12:44, 1:14, 1:44 અને 2:14 વાગ્યે ટ્રેન ઉપડશે. કોટેશ્વર રોડથી 11:37, 12:07, 12:37, 1:07, 1:37 અને 2:07 વાગ્યે ટ્રેન મળશે.
3. APMCથી સેક્ટર-1, ગાંધીનગર
આ રૂટ પર મોડી રાત્રે મેટ્રો સેવા મર્યાદિત રહેશે. APMCથી રાત્રે 10:30, 11:44 અને 12:44 વાગ્યે જ્યારે સેક્ટર-1થી 10:38, 11:38 અને 12:38 વાગ્યે ટ્રેન ઉપડશે.
₹50ની સ્પેશિયલ ટિકિટ ફરજિયાત
મેટ્રોની વધારેલી સમયસીમામાં મુસાફરી કરવા માટે મુસાફરોએ ટિકિટના નિયમો ખાસ ધ્યાનમાં રાખવા પડશે.
-
લંબાયેલા સમય દરમિયાન માત્ર ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ (Special Paper Ticket) માન્ય રહેશે.
-
આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે.
-
એક ટિકિટનો ઉપયોગ માત્ર એક જ મુસાફરી (Single Journey) માટે કરી શકાશે.
નવરાત્રિ દરમિયાન ગરબાના આયોજનોને કારણે અમદાવાદમાં મોડી રાત્રે વાહનવ્યવહાર વધે છે. આવા સમયે મેટ્રોની વધારાની સેવા ખેલૈયાઓ અને પરિવારો માટે ઉપયોગી બની શકે છે. જોકે, મુસાફરી કરતાં પહેલાં પોતાના રૂટની છેલ્લી ટ્રેનનો સમય અને ટિકિટના નિયમો તપાસી લેવા જરૂરી છે.
આ પણ વાંચો : હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝનો ધમાકેદાર કમબેક: ભારતને 24 રને હરાવી T20I શ્રેણી 2-2 થી બરાબર કરી












