ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝનો ધમાકેદાર કમબેક: ભારતને 24 રને હરાવી T20I શ્રેણી 2-2 થી બરાબર કરી

IND vs WI 4th T20I: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ચોથી T20I મેચમાં કેરેબિયન ટીમે શાનદાર વાપસી કરતાં ભારતીય ટીમને 24 રનથી પરાજય આપ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલા આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને શ્રેણીમાં જીવંતતા લાવી દીધી છે. આ વિજય સાથે જ 5 મેચની રોમાંચક શ્રેણી 2-2 થી બરાબરી પર આવી ગઈ છે. હવે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ શનિવાર, 17 ઓક્ટોબરના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.

શાઈ હોપની અણનમ સદી

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય વેસ્ટ ઈન્ડિઝ માટે યોગ્ય સાબિત થયો હતો. કેરેબિયન કેપ્ટન શાઈ હોપે ભારતીય બોલરો પર આક્રમક પ્રહાર કરતાં ધમાકેદાર અણનમ સદી ફટકારી હતી. આ ઉપરાંત શિમરોન હેટમાયરે માત્ર 12 બોલમાં 33 રન, રોવમેન પોવેલે 17 બોલમાં 24 રન અને જ્વેલ એન્ડ્રુઝે 16 બોલમાં 21 રન ફટકાર્યા હતા. વિન્ડીઝે 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 247 રનનો ખડકલો કર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી.

ટાર્ગેટનો પીછો કરતાં ભારતની નબળી શરૂઆત

248 રનના પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતથી જ વિન્ડીઝના બોલિંગ આક્રમણ સામે દબાણમાં આવી ગઈ હતી. સંજુ સેમસને 23 બોલમાં 56 રનની ઝડપી ઈનિંગ રમી આશા જગાવી હતી, પરંતુ કીમો પોલે તેને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન (6 રન) અને કેપ્ટન શ્રેયસ અય્યર (16 રન) સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. સ્પિનર ગુડાકેશ મોતીએ સેટ બેટ્સમેન અભિષેક શર્માને 29 રને આઉટ કર્યો હતો, જ્યારે નમન ધીર ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કીમો પોલની કિલર બોલિંગ

વેસ્ટ ઈન્ડિઝની શિસ્તબદ્ધ બોલિંગ અને ધારદાર ફિલ્ડિંગ સામે ભારતીય મધ્યમ ક્રમ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. કેરેબિયન ઓલરાઉન્ડર કીમો પોલે ઘાતક બોલિંગ સ્પેલ ફેંકીને 5 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી અને ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું. ભારતીય ટીમ 19.4 ઓવરમાં 223 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 24 રનની આ શાનદાર જીત સાથે કેરેબિયન ટીમે શ્રેણી જીતવાની પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે.

આ પણ વાંચો: ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, શ્રેયસ અય્યરની લાંબી છલાંગ

Back to top button