અમદાવાદમાં ડ્રગ્સનું વધતું દૂષણ: હોસ્ટેલની 9 યુવતીઓમાંથી 6 નશાની લતમાં ફસાઈ

Drugs Addiction Racket : અમદાવાદમાં યુવાઓમાં વધતું ડ્રગ્સનું ચલણ હવે ચિંતાનો વિષય બની રહ્યું છે. ખાસ કરીને અભ્યાસ માટે બહારથી શહેરમાં આવતાં યુવક-યુવતીઓમાં નશાની લત ફેલાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદની એક હોસ્ટેલમાં રહેતી 9 યુવતીઓમાંથી 6 યુવતીઓ ડ્રગ્સના નશાની આદતનો ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીના વર્તનમાં આવેલા ફેરફારને કારણે તેના પિતાને શંકા ગઈ અને તપાસ દરમિયાન સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
હોસ્ટેલની મિત્રતા બની નશાની લતનું કારણ
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં અભ્યાસ માટે આવેલી 9 યુવતીઓ એક જ હોસ્ટેલમાં રહેતી હતી. સમય જતાં તેમની વચ્ચે મિત્રતા વધી અને તેમાંથી 6 યુવતીઓનું એક અલગ ગ્રુપ બની ગયું હતું. જોકે, આ મિત્રતા પાછળ ધીમે-ધીમે ડ્રગ્સના નશાની આદત વિકસતી ગઈ. વેકેશન દરમિયાન એક યુવતી પોતાના ઘરે ગઈ ત્યારે તેના વર્તનમાં આવેલા અસામાન્ય ફેરફારથી પિતાને શંકા ગઈ હતી. પિતાએ સતર્કતા દાખવી તપાસ કરતાં દીકરી સહિત તેના મિત્રવર્તુળમાં ડ્રગ્સનું સેવન થતું હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ અન્ય યુવતીઓના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. આ મામલે બે યુવતીઓને સારવાર માટે (De-addiction Centre) મોકલવામાં આવી હતી.
સારવાર બાદ પણ ફરી નશાની લતમાં ફસાઈ યુવતી
બંને યુવતીઓને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. જોકે, થોડા દિવસોમાં જ એક યુવતી ફરીથી ડ્રગ્સના નશાની લતમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાએ નશાની આદત છોડાવવાની પ્રક્રિયા કેટલી મુશ્કેલ છે તે દર્શાવ્યું છે. ડી-એડિક્શન સેન્ટરમાં સારવાર દરમિયાન દર્દીઓની પૂછપરછમાં એમ.ડી. ડ્રગ્સ અને ગાંજાનું વ્યસન ફેલાવતા આયોજનબદ્ધ નેટવર્ક અંગે પણ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એક વ્યક્તિને નશાની આદત લગાડ્યા બાદ તેના મિત્રવર્તુળના અન્ય લોકોને પણ તેમાં ખેંચવાની પ્રવૃત્તિ અંગે તપાસમાં ખુલાસા થયા હોવાનું જાણવા મળ્યું છે.
નશા નાબૂદીની વાતો વચ્ચે ગુજરાતમાં વધી રહ્યું છે ડ્રગ્સ કલ્ચર
જાણકારોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં 18થી 35 વર્ષની વયના યુવક-યુવતીઓમાં સ્મોકિંગ અને ડ્રગ્સનું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. શરૂઆતમાં સિગારેટના વ્યસનથી શરૂ થતી આદત કેટલાક કિસ્સાઓમાં ગાંજા અને અન્ય નશીલા પદાર્થો સુધી પહોંચી જાય છે.
આ ક્ષેત્ર સાથે જોડાયેલા જાણકારોના જણાવ્યા અનુસાર, ડ્રગ્સના સેવનમાં યુવકોનું પ્રમાણ અંદાજે 90 ટકા અને યુવતીઓનું પ્રમાણ 10 ટકા હોવાનું કહેવાય છે. ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેવાની સરખામણીએ સ્મોકિંગ મારફતે નશીલા પદાર્થોનું સેવન વધુ જોવા મળે છે.
ખાસ કરીને પાર્ટી ડ્રગ્સનું ચલણ વધતાં ગુજરાતમાં પણ ડ્રગ્સ કલ્ચરનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં સરકારી અને ખાનગી મળીને 50થી વધુ (De-addiction Centres) કાર્યરત છે. અહીં સારવાર માટે આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. લગ્ન પહેલાં યોજાતી બેચલર પાર્ટીઓમાં પણ ડ્રગ્સના સેવનના કિસ્સાઓ સામે આવતાં પરિવારોની ચિંતા વધી છે.
સંતાનોની લત છોડાવવા પરિવારોએ બદલ્યાં શહેર અને રાજ્ય
ડ્રગ્સનું વ્યસન માત્ર વ્યક્તિ પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ તેની અસર આખા પરિવાર પર પડે છે. કેટલાક કિસ્સાઓમાં સંતાનને નશાની લતમાંથી બહાર લાવવા માટે પરિવારોએ પોતાનું શહેર અથવા તો રાજ્ય પણ બદલ્યું છે. ઉપલબ્ધ આંકડા મુજબ, ગુજરાતમાં નશીલા પદાર્થો અને દારૂના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે દર વર્ષે આશરે સવા લાખ લોકો સારવાર લે છે. છેલ્લા છ વર્ષમાં વ્યસનમુક્તિ માટે સારવાર લેનારાઓની સંખ્યામાં 95 ટકાનો વધારો નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અમદાવાદમાં પણ વર્ષ 2020થી વ્યસનમુક્તિ ક્લિનિકમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં 25થી 40 ટકા સુધીનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં લાખો લોકો વિવિધ નશીલા પદાર્થોના વ્યસની
રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં અંદાજે 7.9 લાખ લોકો અફીણયુક્ત પદાર્થોનો ઉપયોગ કરે છે. જ્યારે 6.9 લાખ લોકો દર્દશામક દવાઓના અને 4.8 લાખ લોકો ગાંજાના વ્યસનથી પ્રભાવિત હોવાનું જણાવાયું છે.બીજી તરફ, (National Mental Health Survey of India)ના અભ્યાસમાં સામે આવ્યું છે કે નશાની સમસ્યાથી અસરગ્રસ્ત લોકોમાંથી 10 ટકાથી પણ ઓછા લોકો સક્રિય રીતે પુનર્વસન પ્રક્રિયામાં જોડાય છે. નિષ્ણાતોના મતે, નશો કરવાની જિજ્ઞાસા, મિત્રોના દબાણ અને માનસિક તણાવમાંથી બહાર આવવાના પ્રયાસો શરૂઆતમાં સામાન્ય લાગતા હોય છે, પરંતુ ધીમે-ધીમે ગંભીર વ્યસનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
નશાની લત છોડાવવા ત્રણ મહિના સુધી સારવાર
ગુજરાતમાં વ્યસનમુક્તિ માટે ખાનગી કેન્દ્રો ઉપરાંત સરકારી સ્તરે પણ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની 34 સરકારી જિલ્લા હોસ્પિટલોમાં વ્યસનમુક્તિ માટે કુલ 510 બેડ ફાળવવામાં આવ્યા છે. નશાની લતની ગંભીરતા પ્રમાણે દર્દીઓને 15 દિવસથી લઈને ત્રણ મહિના સુધી મનોવૈજ્ઞાનિક અને તબીબી સારવાર આપવામાં આવે છે. જોકે, માત્ર સારવાર પૂરતી નથી. દર્દીને ફરીથી નશાની લતમાં ફસાતો અટકાવવા પરિવારનો સહયોગ, દેખરેખ અને સતત કાળજી પણ એટલી જ જરૂરી છે.
સિગારેટના ગલ્લા પણ તપાસના દાયરામાં?
અમદાવાદ સહિત ગુજરાતના શહેરી વિસ્તારોમાં સિગારેટ વેચતા કેટલાક પાનના ગલ્લાઓની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા છે. ડ્રગ્સના વ્યસન સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક ગલ્લાઓ યુવાઓને નશીલા પદાર્થો સુધી પહોંચવામાં માર્ગદર્શન આપતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ પ્રકારના દાવાઓની સત્તાવાર તપાસ અને પુષ્ટિ જરૂરી છે. યુવાઓમાં વધતું નશાનું પ્રમાણ અટકાવવા માટે માત્ર પોલીસ કાર્યવાહી પૂરતી નથી. પરિવારની સતર્કતા, યોગ્ય માર્ગદર્શન અને સમયસર સારવાર જ નવી પેઢીને નશાના દૂષણથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.












