ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી પોતાની લવ સ્ટોરી શેર કરી, બુક લોન્ચમાં જૂની યાદો વાગોળી

કોંગ્રેસ સંસદીય દળ (CPP)નાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ સોમવારે પોતાના જીવનના સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘Belonging: A Journey of Love’નું વિધિવત વિમોચન કર્યું હતું. આ ખાસ પ્રસંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પુસ્તક વિમોચન સમારોહમાં સૌથી વધુ ધ્યાન રાહુલ ગાંધીના સંબોધને ખેંચ્યું હતું. તેમણે રાજકારણથી દૂર રહીને એક પુત્ર તરીકે પોતાની માતા સોનિયા ગાંધીના વ્યક્તિત્વની વાતો કરી હતી. આ દરમિયાન તેમણે કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડ સાથે કરેલી એક ખાસ રેસ્ટોરન્ટની મુલાકાતનો કિસ્સો પણ સંભળાવ્યો હતો. સાથે જ દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાની દુઃખદ યાદો વાગોળતાં તેઓ ભાવુક થયા હતા.

‘રાજકીય વાત નહીં કરું, આજે માત્ર એક પુત્ર તરીકે બોલીશ’

પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ હળવા અંદાજમાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તેમને આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની રાજકીય વાત ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે અને તેઓ તેનું પાલન કરશે.

જોકે, તેમણે ઉમેર્યું હતું કે એક પુત્ર તરીકે તેમને લાગ્યું કે ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની માતાના વ્યક્તિત્વની થોડી ઝલક રજૂ કરવી જોઈએ. આથી તેમણે સોનિયા ગાંધી સાથે જોડાયેલી કેટલીક અંગત અને યાદગાર વાતો સૌની સાથે શેર કરી હતી.

કેમ્બ્રિજની રેસ્ટોરન્ટમાં ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યા હતા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પોતાના અંગત જીવનનો એક રસપ્રદ કિસ્સો સંભળાવતાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે એક દિવસ તેમણે પોતાની ગર્લફ્રેન્ડને ‘વર્સિટી રેસ્ટોરન્ટ’માં જવાની વાત કરી હતી.

તેમની ગર્લફ્રેન્ડને આ રેસ્ટોરન્ટના ઐતિહાસિક મહત્ત્વ વિશે કોઈ જાણકારી નહોતી. પરંતુ રાહુલ ગાંધી માટે આ સ્થળ ખાસ હતું, કારણ કે તેમના માતા-પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પ્રથમ મુલાકાત આ જ રેસ્ટોરન્ટમાં થઈ હતી. આ જ કારણથી તેઓ પોતાની ગર્લફ્રેન્ડને ત્યાં લઈ જવા માગતા હતા.

પીળા દરવાજા પાછળ છુપાયેલી હતી માતા-પિતાની પ્રેમકહાની

રેસ્ટોરન્ટની મુલાકાતને યાદ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પીળા રંગનો દરવાજો દેખાયો હતો, જે આજે પણ તેમની યાદમાં તાજો છે. દરવાજા પાસે ઊભેલા એક કર્મચારીએ તેમને કેટલા લોકો છે તે પૂછ્યું હતું. રાહુલે બે લોકો હોવાનું જણાવતાં તેમને અંદર બેસવા માટે કહેવામાં આવ્યું હતું.

થોડીવાર બાદ કર્મચારી મેનુ લઈને આવ્યો ત્યારે રાહુલે તેને જણાવ્યું કે તેમના માતા-પિતા આ જ રેસ્ટોરન્ટમાં પ્રથમવાર મળ્યાં હતાં. આ સાંભળીને કર્મચારીએ આશ્ચર્ય સાથે કહ્યું હતું કે, ‘ઓહ, તેઓ! હું તેમને ઓળખું છું.’

ત્યારબાદ રાહુલે તેમની માતા-પિતા વિશે વધુ પૂછ્યું હતું. કર્મચારીએ પણ તેમને ઓળખતા હોવાની વાત સ્વીકારી હતી. પછી રાહુલે મેનુમાંથી સૌથી સારી વાનગી વિશે પૂછતાં કર્મચારીએ ‘ચિકન ચેઝર’ ખાવાની સલાહ આપી હતી. રાહુલે બે પ્લેટનો ઓર્ડર આપ્યો હતો અને બંનેએ સાથે બેસીને ભોજન કર્યું હતું.

આ કિસ્સો સંભળાવતાં રાહુલ ગાંધીએ પોતાના માતા-પિતાની પ્રેમકહાની સાથે જોડાયેલી એક સુંદર યાદને પણ જીવંત કરી હતી.

‘ઈન્દિરાજીને ગોળી વાગતા અને પિતાને વિસ્ફોટમાં ગુમાવ્યા…’

સંબોધન દરમિયાન રાહુલ ગાંધી પરિવારના સૌથી દુઃખદ સમયને યાદ કરતાં ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં તેમણે એવા આઘાતજનક પ્રસંગો જોયા છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમણે પોતાની દાદી અને પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા તેમજ પિતા રાજીવ ગાંધીની બોમ્બ વિસ્ફોટમાં થયેલી હત્યાનો ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે પોતાની દાદીને ગોળી વાગવાની ઘટના જોઈ હતી અને ત્યારબાદ પોતાના પિતાને એક ભયાનક વિસ્ફોટમાં ગુમાવ્યા હતા. આ ઘટનાઓએ તેમના પરિવારના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું.

સોનિયા ગાંધીની યાદશક્તિ તેજ, પરંતુ રાજીવ ગાંધીના નિધનની યાદો ધૂંધળી

રાહુલ ગાંધીએ પોતાની માતા સોનિયા ગાંધીની યાદશક્તિ વિશે પણ રસપ્રદ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ આ મુદ્દે ઘણીવાર માતા સાથે દલીલ કરતા હોય છે. સોનિયા ગાંધીની યાદશક્તિ એટલી તેજ છે કે તેઓ સામાન્ય રીતે કોઈ વાત ભૂલતાં નથી.

પરંતુ એક એવી ઘટના છે, જેના વિશે પૂછવામાં આવે ત્યારે તેઓ કંઈ યાદ કરી શકતાં નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પિતા રાજીવ ગાંધીના નિધન સમયે શું બન્યું હતું તે અંગે માતાને કોઈ સ્પષ્ટ સ્મૃતિ નથી. પરિવાર માટે અત્યંત દુઃખદ અને આઘાતજનક એવી આ ઘટનાની વાત કરતાં તેમણે માતાની માનસિક સ્થિતિ અને તે સમયના સંઘર્ષની ઝલક રજૂ કરી હતી.

‘એક અદ્ભુત જીવન અને પ્રેમ એક જ દિવસમાં સમાપ્ત થઈ ગયો’

પોતાના સંબોધનના અંતિમ ભાગમાં રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના સંબંધો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે એક અદ્ભુત જીવન હતું અને બંને વચ્ચે અપાર પ્રેમ હતો, પરંતુ એક જ દિવસમાં બધું સમાપ્ત થઈ ગયું.

રાજીવ ગાંધીની વિદાય પરિવાર માટે અત્યંત ભયાનક આઘાત હતો. રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું કે તે સમય તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો અને તેમને આવી કોઈ દુર્ઘટનાનો અંદેશો પણ હતો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘Belonging’ પુસ્તકમાં જે કંઈ રજૂ કરવામાં આવ્યું છે, તેની તૈયારીમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી અને માતા સોનિયા ગાંધીનો સહયોગ રહ્યો છે.

શું છે સોનિયા ગાંધીના પુસ્તક ‘Belonging’માં ખાસ?

‘Belonging: A Journey of Love’ માત્ર એક રાજકીય વ્યક્તિત્વનાં સંસ્મરણો નથી, પરંતુ સોનિયા ગાંધીના અંગત જીવન, પ્રેમ, પરિવાર અને સંઘર્ષની સફરને રજૂ કરતું પુસ્તક છે. તેમાં રાજીવ ગાંધી સાથેની તેમની મુલાકાત, બંને વચ્ચેનો પ્રેમ, પરિવાર સાથે વિતાવેલી યાદગાર ક્ષણો અને રાજીવ ગાંધીના નિધન બાદ જીવનમાં આવેલા મોટા પરિવર્તનોની વાતો સામેલ છે.

આ પુસ્તકના વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીના સંબોધને એક અલગ જ ભાવનાત્મક માહોલ સર્જ્યો હતો. રાજકીય નેતા તરીકે જાણીતા રાહુલ ગાંધી આ પ્રસંગે એક પુત્ર તરીકે પોતાની માતા વિશે વાત કરતા જોવા મળ્યા હતા. કેમ્બ્રિજની રેસ્ટોરન્ટનો નાનકડો કિસ્સો હોય કે પરિવાર પર તૂટી પડેલી દુઃખની ઘડી, તેમના સંસ્મરણોએ સોનિયા ગાંધીના જીવનની એક અંગત અને ભાવનાત્મક બાજુ ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં ‘કોળી CM’ની માંગથી ગરમાવો! પબુભા માણેકના નિવેદનથી ભાજપમાં ખળભળાટ, પાટીદાર નેતાઓએ આપ્યો ખુલ્લો પડકાર

Back to top button