ગુજરાત ભાજપમાં જૂથવાદની ચર્ચા ; મુખ્યમંત્રીએ અસંતુષ્ટોને મનાવવા નેતાઓને કરી અપીલ

BJP Internal Dissent : ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષ અને જૂથવાદની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રીનો એક નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગાંધીનગરના ‘કમલમ’ ખાતે યોજાયેલા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને અસંતુષ્ટોને મનાવવા ખાસ અપીલ કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, જે લોકો નારાજ છે તેમને મનાવો અને સંતુષ્ટ કરો. જ્યાં અંધારું હોય ત્યાં દીપક પ્રગટાવો, લોકોનો પ્રેમ જીતો અને રાજ્યની જનતાએ મૂકેલા વિશ્વાસને વધુ મજબૂત બનાવો. મુખ્યમંત્રીના આ સંદેશને પક્ષની અંદર ચાલી રહેલા અસંતોષ વચ્ચે મહત્ત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
અસંતુષ્ટોને મનાવવા મુખ્યમંત્રીએ નેતાઓને કરી અપીલ
દિવાળી સ્નેહમિલનના ઉત્સવના માહોલમાં મુખ્યમંત્રીએ પક્ષના નેતાઓને સંગઠનની એકતા જાળવવા અને નારાજ લોકોને સાથે રાખવા પર ભાર મૂક્યો હતો. તેમનો સંદેશ માત્ર શુભેચ્છાઓ પૂરતો સીમિત ન રહેતાં રાજકીય રીતે પણ ચર્ચાસ્પદ બન્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, જાહેર મંચ પરથી અસંતુષ્ટોને મનાવવાની અપીલ કરવી એ પક્ષની અંદર ક્યાંક ને ક્યાંક નારાજગી હોવાના સંકેત આપી શકે છે.
સરકાર સામે ખેડૂતો, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોની નારાજગી
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, હાલ સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને નારાજગી જોવા મળી રહી છે. કૃષિ સંબંધિત પ્રશ્નો, પાક સહાય અને ખેડૂતોની પડતર માગણીઓના મુદ્દે રાજ્યના ખેડૂતોમાં અસંતોષ હોવાની વાતો સામે આવી રહી છે. બીજી તરફ, પોતાની લાંબા સમયથી પડતર માગણીઓનો ઉકેલ ન આવતાં સરકારી કર્મચારીઓનો એક વર્ગ પણ સરકારની નીતિઓથી નારાજ હોવાનું કહેવાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને લઈને પણ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે સામાન્ય નાગરિકોમાં સરકાર પ્રત્યેનો અસંતોષ વધતો હોવાની રાજકીય ચર્ચાઓ પણ ચાલી રહી છે.
ભાજપ સંગઠનમાં જૂથવાદ અને આંતરિક ખેંચતાણની ચર્ચા
સરકાર સામેના પ્રશ્નોની સાથે ભાજપ સંગઠનની અંદર પણ આંતરિક ખેંચતાણ હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. કાર્યકરોની અવગણના, નેતાઓ વચ્ચેના મતભેદો અને સંગઠનમાં પૂરતું મહત્ત્વ ન મળવાની ફરિયાદો પક્ષ માટે પડકાર બની શકે છે. સંગઠનની અંદર ઊભા થતા આવા મતભેદો સમયસર ઉકેલવામાં નહીં આવે તો તેની અસર પક્ષની કામગીરી અને આગામી રાજકીય પડકારો પર પડી શકે છે.
દિવાળી સ્નેહમિલનના બહાને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ?
મુખ્યમંત્રીની અસંતુષ્ટોને મનાવવાની અપીલને રાજકીય નિરીક્ષકો ડેમેજ કંટ્રોલના સંકેત તરીકે જોઈ રહ્યા છે. પક્ષના નારાજ નેતાઓ અને કાર્યકરોને ફરી સંગઠન સાથે જોડવા માટે આ સંદેશ આપવામાં આવ્યો હોવાની અટકળો પણ થઈ રહી છે. જોકે, મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કોઈ ચોક્કસ નેતા કે જૂથનો ઉલ્લેખ કર્યો નહોતો.
ભાજપ સામે સંગઠનની એકતા જાળવવાનો પડકાર
મુખ્યમંત્રીના નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે પક્ષના નેતાઓ અને કાર્યકરો વચ્ચે સંવાદ તથા સમન્વય જાળવવો જરૂરી છે. માત્ર સંગઠનની અંદર જ નહીં, પરંતુ જનતાની વચ્ચે જઈને પણ તેમની સમસ્યાઓ સાંભળવી પડશે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીની આ અપીલ બાદ ભાજપના નેતાઓ નારાજ કાર્યકરો અને અસંતુષ્ટ વર્ગને મનાવવામાં કેટલા સફળ રહે છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી પોતાની લવ સ્ટોરી શેર કરી, બુક લોન્ચમાં જૂની યાદો વાગોળી












