ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગોધરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાક; લાખોનું નુકસાન

Godhra Central Bus Stand Fire : ગુજરાતના ગોધરા શહેરમાં આવેલા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બસ સ્ટેન્ડની અંદર આવેલી અનેક દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. આ ઉપરાંત પાર્સલ ઓફિસ અને કંટ્રોલ ઓફિસને પણ આગની ઝપેટમાં આવતાં ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં લાખો રૂપિયાની મિલકત બળીને રાખ થઈ હોવાની આશંકા છે.

આગ લાગતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી

મળતી માહિતી મુજબ, ગોધરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની તમામ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ ગોધરા શહેરના એ અને બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

પ્લાસ્ટિક અને થર્મોકોલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, બસ સ્ટેન્ડની છત પ્લાસ્ટિકની સામગ્રીથી બનાવવામાં આવી હતી. ગરમી ઓછી લાગે તે હેતુથી છતની વચ્ચે થર્મોકોલ પણ લગાવવામાં આવ્યું હતું. આગ લાગ્યા બાદ પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવી જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દુકાનો, પાર્સલ ઓફિસ અને કંટ્રોલ ઓફિસને ભારે નુકસાન

આગમાં બસ સ્ટેન્ડની અંદર આવેલી અનેક દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. સાથે જ પાર્સલ ઓફિસ અને કંટ્રોલ ઓફિસને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. પાર્સલ ઓફિસમાં અલગ-અલગ શહેરોમાં મોકલવા માટે લોકો દ્વારા આપવામાં આવેલી કિંમતી વસ્તુઓ રાખવામાં આવતી હોવાથી ત્યાં પણ મોટું નુકસાન થયું હોવાની શક્યતા છે. આ ઘટનાને પગલે પરિવહન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે.

અધિકારીએ શું આપી માહિતી?

અધિકારી પી.એફ. સોલંકીના જણાવ્યા અનુસાર, ગોધરા બસ સ્ટેન્ડમાં અચાનક આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુકાનોમાં પ્લાસ્ટિકની સામગ્રી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ

હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ દુકાનો અને અન્ય કચેરીઓને થયેલા નુકસાનને કારણે વેપારીઓ અને સંબંધિત લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું, તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં 12 લોકોના મોત: બદ્રીનાથ હાઈવે પર ખીણમાં ખાબકી બસ, રુદ્રપ્રયાગમાં બોલેરોના ભુક્કા બોલ્યા

Back to top button