પરિવાર વિશે ફેલાયેલી ખોટી વાતોથી દુઃખી થયા હતા સોનિયા ગાંધી, ‘Belonging’ લખવાનું કારણ જણાવ્યું

Sonia Gandhi BOOK : કોંગ્રેસના સંસદીય દળનાં અધ્યક્ષ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણો (Memoir) ‘બિલોંગિંગ’ (Belonging) લખવા પાછળનું કારણ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના સાસુ, પતિ રાજીવ ગાંધી, પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી અને સમગ્ર પરિવાર વિશે વર્ષોથી અનેક પાયાવિહોણી વાતો કરવામાં આવી છે. આવી વાતોનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નહોતો. પરિવાર વિશે વારંવાર ખોટી વાતો ફેલાતી જોઈને તેમણે પોતાના જીવનની હકીકતો લોકો સમક્ષ મૂકવાનો નિર્ણય કર્યો હતો.
નવી દિલ્હીમાં પુસ્તકના વિમોચન પ્રસંગે વાતચીત દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘અપનાપણું’ (Belonging) એવો શબ્દ છે, જે તેમના જીવન સાથે સતત જોડાયેલો રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ નવા દેશ કે સમાજમાં બહારની વ્યક્તિ તરીકે આવે છે, ત્યારે તેને હંમેશાં એવું લાગે છે કે લોકો તેને જોઈ રહ્યા છે અને સ્વીકારવા તૈયાર નથી. એક ભારતીય તરીકે સ્વીકારાવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાતને ગણાવી જાદુઈ
દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના પ્રેમસંબંધના શરૂઆતના દિવસોને યાદ કરતાં સોનિયા ગાંધીએ તેને જાદુઈ સમય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, બંનેની મુલાકાત કેમ્બ્રિજમાં એક મિત્ર દ્વારા થઈ હતી. તે સમયની જિંદગી ખૂબ જ નિરાંતભરી અને ખુશનુમા હતી. જોકે, થોડા સમય બાદ રાજીવ ગાંધી ભારત પરત ફર્યા હતા અને સોનિયા ઇટાલી જતાં રહ્યાં હતાં. આ દરમિયાન બંને એકબીજાથી દૂર હોવા છતાં પત્રો દ્વારા સતત સંપર્કમાં રહેતાં હતાં.
સોનિયા ગાંધીએ જૂના દિવસોને યાદ કરતાં કહ્યું કે, તે સમયે મોબાઈલ કે ઇન્ટરનેટની સુવિધા નહોતી. બંને દરરોજ એકબીજાને વાદળી રંગના એરોગ્રામ (Aerogram) દ્વારા પત્ર લખતાં હતાં. પત્રો પર નંબર લખીને રોજિંદા જીવનની વાતો એકબીજા સાથે વહેંચતાં હતાં. તેમના જણાવ્યા અનુસાર, એ સમયની યાદો આજે પણ તેમના માટે ખૂબ ખાસ છે.
એક વર્ષ પછી રાજીવને મળ્યાં ત્યારે વજન વધી ગયું હતું
રાજીવ ગાંધી સાથે એક વર્ષ બાદ થયેલી મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો પણ સોનિયા ગાંધીએ શેર કર્યો હતો. તેમણે હસતાં હસતાં જણાવ્યું કે, જ્યારે તેઓ એક વર્ષ પછી રાજીવને મળ્યાં ત્યારે તેમનું વજન ઘણું વધી ગયું હતું. તેમને પહેલી નજરે આશ્ચર્ય થયું કે કેમ્બ્રિજમાં મળેલી એ જ વ્યક્તિ છે કે નહીં! જોકે, થોડા સમય બાદ રાજીવ ગાંધી ફરી પોતાના સામાન્ય વજનમાં આવી ગયા હતા.
પિતાને પ્રેમસંબંધ વિશે જણાવવું પણ મુશ્કેલ હતું
સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથેના સંબંધ વિશે પોતાના માતા-પિતાને જણાવવામાં પડેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમના પિતા સ્વભાવથી ખૂબ જ કડક હતા. તે સમયના પરિવારોમાં માતા-પિતા અને સંતાનો વચ્ચે અંગત બાબતોને લઈને ખુલ્લી વાતચીત થતી નહોતી. ખાસ કરીને પ્રેમસંબંધ જેવી બાબતો અંગે પરિવાર સાથે વાત કરવી સરળ નહોતી. આ કારણે રાજીવ સાથેના સંબંધ વિશે ઘરે જણાવવું તેમના માટે પડકારજનક રહ્યું હતું.
રાજીવ ગાંધીના નિધન બાદ બાળકો બન્યાં સૌથી મોટો સહારો
રાજીવ ગાંધીના નિધન બાદના મુશ્કેલ સમયને યાદ કરતાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે, પતિના અવસાનથી તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યાં હતાં. એ સમયે તેમનાં બાળકો રાહુલ અને પ્રિયંકાએ તેમને સંભાળ્યાં હતાં. બાળકોના સાથ અને હિંમતને કારણે તેઓ આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના પરિવાર વિશે અનેક દુઃખદ અને ખોટી વાતો કરવામાં આવી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમને લાગ્યું કે પોતાના જીવનની વાતો અને અનુભવો લોકો સુધી પહોંચાડવા માટે પુસ્તક એક યોગ્ય માધ્યમ બની શકે છે.
મિત્રોની સલાહ બાદ લખવાનું નક્કી કર્યું
સોનિયા ગાંધીએ જણાવ્યું કે, તેમના અનેક મિત્રોએ લાંબા સમયથી તેમને પોતાના જીવન વિશે લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જોકે, શરૂઆતમાં તેઓ પોતાની અંગત લાગણીઓ અને જીવનની ખાનગી બાબતો જાહેર કરવા અંગે અચકાતાં હતાં. પરંતુ પરિવાર વિશે સતત થતી ટિપ્પણીઓ અને ખોટા દાવાઓને કારણે તેમણે આખરે પોતાના અનુભવો શબ્દોમાં ઉતારવાનું નક્કી કર્યું. ‘બિલોંગિંગ’ પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના જીવનની સફર, ઇટાલીથી ભારત આવવાનો અનુભવ, રાજીવ ગાંધી સાથેનો સંબંધ, પરિવાર સાથે વિતાવેલી પળો અને જીવનમાં આવેલા મુશ્કેલ સમય વિશે વાત કરી છે. આ પુસ્તક દ્વારા તેમણે પોતાના જીવનને પોતાના દૃષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : શનિ-રાહુ-કેતુ સહિત 5 ગ્રહો વક્રી, આવતા એક મહિના સુધી આ 6 રાશિઓને પડશે મુશ્કેલી!












