ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ડાકોર રણછોડરાયજી મંદિરમાં VIP બેઠક વ્યવસ્થાનો વિરોધ, ભક્તોના આક્રોશ બાદ નિર્ણય સ્થગિત

VIP Seating Controversy  :    ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં (Ranchhodraiji Temple) VIP કલ્ચરને પ્રોત્સાહન આપવાના નિર્ણય સામે ભક્તો અને મંદિરના સેવકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. મંદિર પરિસરમાં વિશિષ્ટ મહેમાનો માટે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરવાના નિર્ણયથી વિવાદ વકર્યો હતો. આશરે રૂ. 20 લાખના ખર્ચે શરૂ કરાયેલી આ કામગીરી સામે ભક્તોનો રોષ વધતાં આખરે મંદિર ટ્રસ્ટે નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાની ફરજ પડી છે.

રૂ. 20 લાખના ખર્ચે VIP બેઠક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય

મંદિર ટ્રસ્ટ દ્વારા પરિસરમાં VIP મહેમાનો માટે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે અંદાજે રૂ. 20 લાખના ખર્ચે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, આ નિર્ણયની જાણ થતાં જ મંદિરના સેવકો અને નિયમિત દર્શનાર્થીઓમાં નારાજગી ફેલાઈ હતી. ભક્તોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભગવાનના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ વચ્ચે VIP અને સામાન્ય ભક્તોનો ભેદ શા માટે રાખવામાં આવે છે?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બેઠક વ્યવસ્થાની પાછળ શૌચાલય હોવાથી ભક્તોમાં રોષ

આ વિવાદમાં વધુ એક મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જે સ્થળે VIP બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી રહી હતી, તેની બરાબર પાછળ શૌચાલય આવેલું હતું. પવિત્ર મંદિર પરિસરમાં આવી જગ્યાએ વિશિષ્ટ બેઠક વ્યવસ્થા ઊભી કરવાના નિર્ણય સામે સેવક આગેવાનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમના મતે, આ વ્યવસ્થા મંદિરની ગરિમા અને ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી હતી. આ મુદ્દે ભક્તોએ ટ્રસ્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

ભક્તોના ઘેરાવ અને વિરોધ બાદ ટ્રસ્ટે નિર્ણય અટકાવ્યો

મામલો વધુ ઉગ્ર બનતાં મંદિરના ટ્રસ્ટી ગીરીશ દાણીએ ચેરમેન પરિન્દુ ભગત સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ વિવાદિત VIP બેઠક વ્યવસ્થાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે. ભક્તો અને સેવકોના વિરોધને પગલે ટ્રસ્ટે આ કામ આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે.

‘ભગવાનના દરબારમાં બધા ભક્તો સમાન’, સેવકોની ચીમકી

મંદિરના સેવક આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભગવાનના દરબારમાં દરેક ભક્ત સમાન છે. અહીં કોઈ VIP કે સામાન્ય ભક્ત એવો ભેદભાવ હોવો જોઈએ નહીં. મંદિર શ્રદ્ધા અને સમાનતાનું સ્થાન છે, તેથી આવી અલગ બેઠક વ્યવસ્થા યોગ્ય નથી. સાથે જ સેવક આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં ટ્રસ્ટ દ્વારા ફરીથી આ નિર્ણય અમલમાં મૂકવાનો પ્રયાસ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો : પરિવાર વિશે ફેલાયેલી ખોટી વાતોથી દુઃખી થયા હતા સોનિયા ગાંધી, ‘Belonging’ લખવાનું કારણ જણાવ્યું

Back to top button