ઉત્તરાખંડમાં 12 લોકોના મોત: બદ્રીનાથ હાઈવે પર ખીણમાં ખાબકી બસ, રુદ્રપ્રયાગમાં બોલેરોના ભુક્કા બોલ્યા

ઉત્તરાખંડમાં બે દિવસમાં થયેલા બે મોટા માર્ગ અકસ્માતોએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. સોમવારે રુદ્રપ્રયાગમાં મુસાફરોથી ભરેલી બોલેરો કાર અનિયંત્રિત થઈને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજી તરફ, મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર ગુલર બજાર નજીક મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી લગભગ 100 મીટર નીચે પાણીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. બંને અકસ્માતોમાં કુલ 12 લોકોએ જીવ ગુમાવતાં ઉત્તરાખંડમાં શોકનો માહોલ છવાયો છે.
રુદ્રપ્રયાગમાં 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બોલેરો, 4નાં મોત
સોમવારે મોડી સાંજે રુદ્રપ્રયાગ જિલ્લામાં બાંસવાડા-કંડારા મોટર માર્ગ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં 10 મુસાફરોને લઈને જતી બોલેરો કાર અચાનક ચાલકના કાબૂ બહાર થઈ ગઈ હતી અને રસ્તા પરથી લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અંધારું અને ઊંડી ખીણ વચ્ચે મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન
અકસ્માની જાણ થતાં જ રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ DDRF, SDRF અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાસ્થળે ઘનઘોર અંધારું અને ઊભી ખડકાળ ખીણ હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બચાવકર્મીઓએ હિંમત ન હારતાં મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું હતું.
બચાવ ટીમે સ્ટ્રેચરની મદદથી તમામ છ ઘાયલોને ઊંડી ખીણમાંથી બહાર કાઢીને રસ્તા સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર પુલ પરથી 100 મીટર નીચે પાણીમાં ખાબકી બસ
બીજી તરફ, મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર ગુલર બજાર નજીક વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એક બસ અચાનક બેકાબૂ બનીને પુલ પરથી લગભગ 100 મીટર નીચે પાણીમાં ખાબકી હતી.
અકસ્માની જાણ થતાં જ SDRFની વ્યાસી અને ઢાલવાલા પોસ્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે. જેમાંથી સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિએ ઋષિકેશની AIIMS હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતમાં અન્ય 18 લોકો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વધારાની SDRF ટીમો ઘટનાસ્થળે રવાના, બચાવ કામગીરી ચાલુ
બસ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SDRFના કમાન્ડન્ટ અર્પણ યાદવંશીના નિર્દેશ પર વધારાની બચાવ ટીમોને પણ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે.
SDRF અને સ્થાનિક પોલીસની ટીમો સંકલન સાથે રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, બસ કયા કારણોસર બેકાબૂ બનીને પુલ પરથી નીચે ખાબકી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
બે દિવસમાં બે મોટા અકસ્માતથી ઉત્તરાખંડમાં શોકનો માહોલ
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત બની રહેલા માર્ગ અકસ્માતોએ ફરી એકવાર રસ્તાઓ પર મુસાફરીની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. એક તરફ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા, તો બીજી તરફ હાઈવે પર બસ દુર્ઘટનામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા.
બંને દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોનાં મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. હાલ બચાવ કામગીરી અને અકસ્માતનાં કારણોની તપાસ ચાલી રહી છે. આ કરુણ ઘટનાઓથી મૃતકોના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી પોતાની લવ સ્ટોરી શેર કરી, બુક લોન્ચમાં જૂની યાદો વાગોળી












