બિહાર વિધાન પરિષદ ચૂંટણી: મહાગઠબંધનમાં બગાવત, 8 માંથી 6 બેઠકો પર RJD, કોંગ્રેસ અને ડાબેરીઓ સામસામે

Bihar MLC Election Mahagathbandhan Rift: બિહારમાં 23 ઓક્ટોબરે યોજાનારી વિધાન પરિષદ (MLC) ની 8 બેઠકોની ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન ‘મહાગઠબંધન’ માં સીટ શેરિંગને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઠબંધનના મુખ્ય ઘટક પક્ષો RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે સહમતિ ન સધાતાં ગઠબંધનમાં તિરાડ પડી છે. 8 માંથી 6 બેઠકો પર મિત્ર પક્ષોએ એકબીજા સામે જ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
દરભંગા શિક્ષક બેઠક પર ત્રિપાંખિયો જંગ
દરભંગા શિક્ષક મતવિસ્તાર આ ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, જ્યાં મહાગઠબંધનના 3 પક્ષો વચ્ચે સીધો સંગ્રામ ખેલાઈ રહ્યો છે. આ બેઠક પરથી કોંગ્રેસના વર્તમાન MLC મદન મોહન ઝા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમની સામે RJD ના સહયોગી કુંવર રાયને ઉમેદવાર બનાવાયા છે. એટલું જ નહીં, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) એ પણ રામદેવ રાયને પોતાના ઉમેદવાર તરીકે ઉતારીને આ લડાઈને ત્રિપાંખિયા જંગમાં ફેરવી નાખી છે.
3 ગ્રેજ્યુએટ બેઠકો પર RJD અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
સ્નાતક મતવિસ્તારોમાં પણ RJD અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. પટના ગ્રેજ્યુએટ બેઠક પર RJD ના દિલીપ કુમાર સામે કોંગ્રેસના ડૉ. અસદુલ્લા ખાન ચૂંટણી મેદાનમાં છે. દરભંગા ગ્રેજ્યુએટ બેઠક પર RJD ના અનિલ કુમાર ઝા અને કોંગ્રેસના રજનીકાંત પાઠક વચ્ચે સીધી ટક્કર છે. તે જ રીતે, કોસી ગ્રેજ્યુએટ બેઠક પર પણ RJD ના નિતેશ કુમાર અને કોંગ્રેસના ઉમેદવાર મનોજ કુમાર જયસ્વાલ એકબીજાને પડકારી રહ્યા છે.
શિક્ષક બેઠકો પર પણ સાથી પક્ષો વચ્ચે આરપારની લડાઈ
શિક્ષક મતવિસ્તારની અન્ય બેઠકો પર પણ સાથી પક્ષો જ એકબીજાના મુખ્ય હરીફ બન્યા છે. પટના શિક્ષક બેઠક પર RJD ના ડૉ. સંજીવ કુમાર સિંહ અને કોંગ્રેસના સંજય યાદવ વચ્ચે ચૂંટણી જંગ જામશે. બીજી તરફ, સારણ શિક્ષક મતવિસ્તારમાં RJD ના પ્રો. જયરામ યાદવ અને CPI ના ઉમેદવાર વિદ્યાસાગર વિદ્યાર્થી વચ્ચે સીધો મુકાબલો સ્થાપિત થયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
23 ઓક્ટોબરે મતદાન
બિહાર વિધાન પરિષદની આ 8 બેઠકોમાં 4 સ્નાતક અને 4 શિક્ષક મતવિસ્તારનો સમાવેશ થાય છે. બેઠકોની વહેંચણીમાં સર્વસંમતિના અભાવે RJD એ 7, કોંગ્રેસે 5, CPI એ 2 અને CPM એ 1 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, નામાંકન પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર છે અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર રાખવામાં આવી છે. તમામ બેઠકો પર 23 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે અને 27 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: બંગાળમાં છ મહિનામાં UCC લાગુ કરવાની તૈયારી, શુભેન્દુ અધિકારીએ કરી મોટી જાહેરાત












