ટોપ ન્યૂઝનેશનલ

અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર: રાહુલ ગાંધીની રેલીને ગણાવી ‘ઘુસણખોર બચાવો રેલી’

Amit Shah Slams Congress in Hyderabad: તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ખાતે એક ભવ્ય જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી પક્ષો દેશમાં ઘુસણખોરોને રક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા યોજવામાં આવેલી રેલી પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે આ રેલીને “મત બચાવો રેલી” તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં તે માત્ર અને માત્ર “ઘુસણખોરોને બચાવો રેલી” જ હતી. અમિત શાહે દેશભરની મતદાર યાદીઓમાંથી તમામ ગેરકાયદેસર ઘુસણખોરોને બહાર કાઢવાના ભાજપ સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

‘કોંગ્રેસ ઘુસણખોરોને પોતાની વોટ બેંક માને છે’

જનસભાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ગમે તેટલા પ્રયાસો કરી લે, પરંતુ ભારતીય જનતા પાર્ટી મતદાર યાદીમાંથી એક-એક ઘુસણખોરને દૂર કરીને જ રહેશે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ પાર્ટી જાણી જોઈને SIR પ્રક્રિયાનો વિરોધ કરી રહી છે કારણ કે બાંગ્લાદેશી અને અન્ય ઘુસણખોરો આ પાર્ટી માટે મુખ્ય વોટ બેંક સમાન છે. અમિત શાહે ભારપૂર્વક કહ્યું કે દેશના અસલી અને કાયદેસરના નાગરિકોને જ મતદાન કરવાનો મૂળભૂત અધિકાર છે, અને ભાજપના કાર્યકરો આ રાષ્ટ્રીય હિતના મુદ્દે મજબૂતીથી સાથે ઊભા છે.

ચૂંટણીમાં હાર બાદ EVM પર સવાલ ઉઠાવતી કોંગ્રેસ પર કટાક્ષ

ચૂંટણી પરિણામો અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલો ઉઠાવવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરતા ગૃહમંત્રીએ પૂછ્યું હતું કે કેરળ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યારે કોંગ્રેસ સત્તામાં આવે છે ત્યારે શું ઈવીએમ બરાબર કામ કરતા હોય છે? તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે જ્યારે પક્ષ જીતે છે ત્યારે જનતાનો વિજય ગણવામાં આવે છે અને જ્યારે હારે છે ત્યારે ઈવીએમ દોષી ઠેરવાય છે. આ સંદર્ભમાં તેમણે હિન્દીની લોકપ્રિય કહેવત ટાંકીને કહ્યું કે, “નાચ ન આયે, આંગન ટેઢા.” દેશની જનતાએ કોંગ્રેસને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોંગ્રેસ ટકી શકે તેમ નથી.

કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ₹12 લાખ કરોડના કૌભાંડો થયા

કોંગ્રેસના દાયકાના શાસન પર પ્રહાર કરતા અમિત શાહે યાદ અપાવ્યું કે અગાઉના 10 વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં કુલ ₹12 લાખ કરોડના મોટા ભ્રષ્ટાચારો અને કૌભાંડો આચરવામાં આવ્યા હતા. તેમણે ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું કે દેશની વર્તમાન મતદાર યાદીમાં આશરે 30 કરોડ મતો એવા છે જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી. આ 30 કરોડ શંકાસ્પદ લોકો કોણ છે તે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે આ ઘુસણખોરો ક્યારેય યાદીમાંથી ન હટે. તેમણે સવાલ કર્યો કે શું અગાઉ એસઆરઆઈ પ્રક્રિયા નહોતી થતી? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ આ પ્રક્રિયા વગર જ ચૂંટણી જીત્યા હતા? ભાજપ પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ હવે તેલંગાણામાં પણ વિજયી પતાકા લહેરાવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ

પોતાના સંબોધનની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેવી ભાગ્યલક્ષ્મીને નમન કરીને આશીર્વાદ લીધા હતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીને યાદ કરાવ્યું કે જો તે સમયે સરદાર પટેલે કડક વલણ અપનાવીને નિઝામને શરણાગતિ સ્વીકારવા મજબૂર ન કર્યા હોત, તો આજનું હૈદરાબાદ ક્યારેય અખંડ ભારતનો અભિન્ન ભાગ બની શક્યું ન હોત. સરદાર સાહેબની દૂરદ્રષ્ટિના કારણે જ હૈદરાબાદ મુક્ત બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ‘રાહુલ ગાંધી અસલી સંસદમાં ક્યારેય PM નહીં બની શકે’: અમિત શાહ

Back to top button