બાળકો ChatGPT પર શું સર્ચ કરે છે તેની જાણ હવે માતા-પિતાને પણ થશે!
OpenAI: 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે OpenAIએ ChatGPTના સુરક્ષા નિયમો કડક કર્યા છે. હવે બાળકોને હથિયારો અને સિક્યોરિટી સિસ્ટમ સંબંધિત એવી ખતરનાક માહિતી નહીં મળે, જેનો ઉપયોગ કોઈને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે. વારંવાર હિંસા સંબંધિત વાતો કરવાથી ચેટ બંધ થઈ શકે છે અને માતા-પિતાને પણ એલર્ટ મળી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
OpenAIએ ChatGPTના સેફ્ટી નિયમો વધુ કડક બનાવ્યા
આજના સમયમાં બાળકો પણ અભ્યાસ અને પોતાના સવાલોના જવાબ મેળવવા માટે ChatGPT જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, AI દ્વારા મળતી માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા પણ રહે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને OpenAIએ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે સુરક્ષા નિયમો વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર, ChatGPT હવે બાળકોને હથિયારો અને સિક્યોરિટી સિસ્ટમ સંબંધિત એવી માહિતી નહીં આપે, જેનો ઉપયોગ કોઈને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે. એટલું જ નહીં, કેટલાક સામાન્ય સવાલોના જવાબો પણ મર્યાદિત રાખવામાં આવશે.
પહેલાં કરતાં વધુ કડક બન્યા ChatGPTના નિયમો
OpenAIના જણાવ્યા અનુસાર, ChatGPT પર અગાઉથી જ બાળકોને હથિયારો ખરીદવા, મેળવવા અથવા હિંસાની યોજના બનાવવામાં મદદ કરવાની મનાઈ હતી. હવે કંપનીએ આ નિયમોનો વ્યાપ વધાર્યો છે. નવા નિયમો હેઠળ હથિયારોના ઉપયોગ અને સિક્યોરિટી સિસ્ટમ સાથે જોડાયેલી એવી વિગતો પણ આપવામાં નહીં આવે, જેનો ખોટો ઉપયોગ થઈ શકે. જોકે, બાળકો હિંસા અટકાવવા, કોઈ વિવાદ શાંત કરવા અથવા મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ChatGPTની મદદ લઈ શકશે. જરૂર પડ્યે AI તેમને કોઈ વિશ્વાસુ વડીલ સાથે વાત કરવાની સલાહ પણ આપશે.
વારંવાર હિંસા સંબંધિત સવાલો પૂછવા પર ચેટ થઈ શકે છે બંધ
જો કોઈ યુઝર સતત હિંસા સંબંધિત વાતો કરે છે, તો ChatGPT તેની વાતચીત વચ્ચે જ અટકાવી શકે છે. આવું વારંવાર થવા પર OpenAI તે એકાઉન્ટને થોડા સમય માટે સસ્પેન્ડ પણ કરી શકે છે.આ નિયમો માત્ર બાળકો પૂરતા મર્યાદિત નથી. હવે કોઈપણ ઉંમરના યુઝરને અગાઉના મોટા હુમલાઓમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને ઉપકરણો વિશે અત્યંત ઝીણવટભરી માહિતી આપવામાં નહીં આવે. આ વસ્તુઓ મેળવવાની રીતો અંગેની માહિતી પણ મર્યાદિત રહેશે.
બાળકોની પ્રવૃત્તિ અંગે માતા-પિતાને પણ મળશે જાણકારી
OpenAI યુઝરની ઉંમરનો અંદાજ મેળવવા માટે તેના વર્તન અને ChatGPTનો ઉપયોગ કરવાની રીતનું પણ વિશ્લેષણ કરશે. જો સિસ્ટમને લાગે કે કોઈ યુઝર 18 વર્ષથી ઓછી ઉંમરનો છે, તો તેને કિશોરો માટે તૈયાર કરાયેલા ChatGPT વર્ઝન પર મોકલવામાં આવશે.જો કોઈ બાળક હિંસા સંબંધિત વાતચીત વારંવાર કરે અને તેના કારણે ચેટ પર પ્રતિબંધ મૂકવામાં આવે, તો તેના માતા-પિતાને પણ આ અંગે જાણ કરવામાં આવી શકે છે.બીજી તરફ, જો કોઈ પુખ્ત વયની વ્યક્તિને ભૂલથી સગીર માનવામાં આવે, તો તે Persona દ્વારા પોતાની ઉંમર સાબિત કરી શકશે.
2026ના ત્રીજા ક્વાર્ટરમાં 200થી વધુ ગંભીર કેસની જાણ
OpenAIના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં હિંસા સંબંધિત ગંભીર સવાલોના આધારે 200થી વધુ કેસ કાયદા અમલીકરણ એજન્સીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.કંપની આગામી થોડા અઠવાડિયામાં નવા સુરક્ષા ફીચર્સ તબક્કાવાર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવશે.












