ક્રિકેટ જગતમાં અફઘાનિસ્તાનનો ડંકો: ICC ODI રેન્કિંગમાં શ્રીલંકાને પાછળ છોડીને છઠ્ઠું સ્થાન કર્યું હાસલ

Afghanistan Cricket Team ICC ODI Rankings: ક્રિકેટ જગતમાંથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે અત્યંત ગર્વ અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ICC મેન્સ ODI ટીમ રેન્કિંગમાં શાનદાર છલાંગ લગાવીને શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમને પણ પાછળ છોડી દીધી છે અને વૈશ્વિક રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન હાસલ કરી લીધું છે. અફઘાનિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી સર્વોચ્ચ અને ઐતિહાસિક રેન્કિંગ છે. આ વૈશ્વિક યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમ 4,122 પોઈન્ટ્સ અને 115 રેટિંગ સાથે ટોચ પર યથાવત છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 3,809 પોઈન્ટ્સ અને 109 રેટિંગ સાથે બીજા ક્રમે બિરાજમાન છે.
ODI અને T20 ક્રિકેટમાં અફઘાનિસ્તાનનું અદ્ભુત પરાક્રમ
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે વર્ષ 2009 માં પોતાની સર્વપ્રથમ ODI મેચ રમી હતી. પોતાની આ 17 વર્ષની ટૂંકી પરંતુ અત્યંત પ્રભાવશાળી સફરમાં અફઘાન ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં સૌકોઈને ચોંકાવી દીધા છે અને અપેક્ષાઓ કરતા પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની આ અદ્ભુત પ્રગતિ માત્ર વન-ડે (ODI) ફોર્મેટ પૂરતી સીમિત નથી, પરંતુ T20 ક્રિકેટમાં પણ તેમણે ડંકો વગાડ્યો છે. ગત 2023 ના ODI વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાને પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને હરાવીને મોટો ઉથલપાથલ મચાવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2024 માં ટીમ પહેલીવાર T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પહોંચી હતી, જે તેમના માટે એક સીમાચિહ્ન સમાન છે.
ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ બાદ હવે શ્રીલંકાને પછાડ્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ડેટા મુજબ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અત્યાર સુધી રમાયેલી કુલ 191 ODI મેચોમાંથી શાનદાર પ્રદર્શન કરીને 96 મેચોમાં વિજય મેળવ્યો છે, જેનો જીત-હારનો ગુણોત્તર 1.09 જેટલો પ્રભાવશાળી છે. અફઘાનિસ્તાને અગાઉથી જ ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ જેવી ટેસ્ટ રમતી મોટી ટીમોને પાછળ છોડી દીધી હતી, અને હવે શ્રીલંકાને પણ પાછળ ધકેલીને છઠ્ઠું સ્થાન કબજે કર્યું છે. તાજેતરની શ્રેણીઓમાં પણ તેમનું પ્રભુત્વ રહ્યું છે જ્યાં તેમણે આયર્લેન્ડ સામે 4-0 થી શાનદાર વિજય મેળવ્યો હતો અને ઝિમ્બાબ્વે તથા બાંગ્લાદેશ સામેની ત્રિકોણીય શ્રેણીમાં પણ અપરાજિત રહ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારત પ્રથમ સ્થાને, અફઘાનિસ્તાન છઠ્ઠા ક્રમે પહોંચ્યું
તાજેતરની ICC ODI ટીમ રેન્કિંગની યાદી મુજબ ભારતીય ટીમ પ્રથમ સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા 104 રેટિંગ અને 3,547 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે, પાકિસ્તાન ચોથા ક્રમે અને ઓસ્ટ્રેલિયા પાંચમા ક્રમે છે. પાકિસ્તાન 104 રેટિંગ પોઈન્ટ્સ ધરાવે છે જ્યારે ઓસ્ટ્રેલિયા પાસે 102 પોઈન્ટ્સ છે. આ યાદીમાં અફઘાનિસ્તાન 94 રેટિંગ અને 2,926 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે શ્રીલંકા 94 રેટિંગ સાથે સાતમાં ક્રમે સરકી ગયું છે. આ યાદીમાં આગળના ક્રમો પર ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ જેવી ટીમો આવે છે.
આ પણ વાંચો: અમ્પાયરના નિર્ણય સામે દલીલ કરવી પડી ભારે, ICCએ બે દિગ્ગજોને ફટકાર્યા












