બાંગ્લાદેશમાં ફરી સળગ્યુંઃ મજૂરો રસ્તા પર, 529 ગારમેન્ટ ફેક્ટરીઓનું કામકાજ ખોરવાયું, આગચંપી સાથે હિંસક પ્રદર્શન

Bangladesh Garment Workers Protest: બાંગ્લાદેશમાં ગારમેન્ટ ઉદ્યોગના હજારો મજૂરો પગાર વધારાની માંગ સાથે રસ્તા પર ઊતરતાં ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. દેશના સૌથી મોટા નિકાસ ઉદ્યોગમાં મજૂરોના વિરોધ પ્રદર્શનને કારણે સેંકડો ફેક્ટરીઓનું કામકાજ ખોરવાયું છે. ઢાકા, ગાઝીપુર, સાવર અને આશુલિયા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તા રોકો આંદોલન, પથ્થરમારો, પોલીસ સાથે ઘર્ષણ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. મજૂરો ઓછામાં ઓછો 30 હજાર ટકાનો માસિક પગાર નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનો વચ્ચે રવિવારે 529 ફેક્ટરીઓ પ્રભાવિત થઈ હતી અને આશરે 9.87 લાખ મજૂરોના કામકાજ પર અસર પડી હતી.
12,500 ટકાના પગાર સામે 30 હજાર ટકાની માંગ
બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગમાં હાલમાં લઘુત્તમ માસિક પગાર 12,500 ટકા છે. મજૂરો તેને વધારીને 30,000 ટકા કરવાની માંગ કરી રહ્યા છે. એટલે કે હાલના પગારની સરખામણીએ 140 ટકાનો વધારો માંગવામાં આવી રહ્યો છે. મજૂરોનું કહેવું છે કે મોંઘવારીને કારણે ઘરભાડું, ખાદ્યપદાર્થો, પરિવહન અને આરોગ્ય સેવાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. હાલના પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ કારણોસર મજૂરો પગારધોરણમાં મોટા સુધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.
ઢાકા સહિત અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન
31 ઓક્ટોબરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે ઢાકા, મીરપુર, સાવર, આશુલિયા અને ગાઝીપુર જેવા મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં ફેલાયા હતા. 1 નવેમ્બરે અનેક સ્થળોએ મજૂરોએ મુખ્ય રસ્તાઓ પર અવરોધ ઊભા કરતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. કેટલાક વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
પોલીસના વાહનો અને ચોકીઓમાં આગચંપી
રાજધાની ઢાકાના મીરપુર વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન પોલીસના વાહનમાં આગ લગાવવામાં આવી હોવાના અહેવાલ છે. ગાઝીપુર અને સાવર વિસ્તારમાં પણ આગચંપી તથા તોડફોડની ઘટનાઓ બની હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કેટલાક વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
529 ફેક્ટરીઓ બંધ થતાં લાખો મજૂરો અસરગ્રસ્ત
બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (BGMEA)ના અહેવાલ મુજબ, રવિવારે વિરોધ પ્રદર્શનોને કારણે 529 ગારમેન્ટ ફેક્ટરીઓએ કામકાજ બંધ રાખ્યું હતું. આ સ્થિતિને કારણે આશરે 9.87 લાખ મજૂરો પ્રભાવિત થયા હતા. જોકે સોમવાર 2 નવેમ્બરે ઘણી ફેક્ટરીઓ ફરી શરૂ થઈ હતી. તેમ છતાં મજૂરોના વિરોધ અને કેટલાક વિસ્તારોમાં તણાવને કારણે ઉદ્યોગમાં અનિશ્ચિતતા યથાવત્ રહી છે.
સરકારે છ સભ્યોના વેતન બોર્ડની રચના કરી
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ સરકારે ગારમેન્ટ મજૂરોના લઘુત્તમ પગારની સમીક્ષા કરવા છ સભ્યોના નવા વેતન બોર્ડની રચના કરી છે. આ બોર્ડમાં સરકાર, ઉદ્યોગના માલિકો, મજૂર સંગઠનો અને સ્વતંત્ર પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડ હાલના પગારધોરણની સમીક્ષા કરીને ભવિષ્યમાં કેટલો વધારો શક્ય છે તે અંગે ભલામણ કરશે. સરકારે મજૂરોને શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરવા અને કામ પર પાછા ફરવા અપીલ કરી છે. જોકે અત્યાર સુધી 30,000 ટકાનો નવો લઘુત્તમ પગાર મંજૂર કરવામાં આવ્યો નથી.
વિરોધ પ્રદર્શન પાછળ રાજકીય ઉશ્કેરણીનો આરોપ
બાંગ્લાદેશ સરકારના અધિકારીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી કેટલીક હિંસક ઘટનાઓ પાછળ રાજકીય ઉશ્કેરણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. સત્તાવાર સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પોલીસે અવામી લીગ અને તેની સાથે સંકળાયેલા સંગઠનોના 19 નેતાઓ અને કાર્યકરોની ઉશ્કેરણીના આરોપસર ધરપકડ કરી છે.
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા માટે ગારમેન્ટ ઉદ્યોગ કેમ મહત્વનો?
બાંગ્લાદેશનો તૈયાર કપડાંનો ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાનો સૌથી મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ ગણાય છે. આ ક્ષેત્રમાં આશરે 40 લાખ લોકો રોજગારી મેળવે છે. દેશની કુલ નિકાસ આવકમાં ગારમેન્ટ ઉદ્યોગનો હિસ્સો 80 ટકાથી વધુ છે, જ્યારે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં આ ઉદ્યોગનું યોગદાન આશરે 10 ટકા છે. બાંગ્લાદેશ વિશ્વના સૌથી મોટા તૈયાર કપડાંના નિકાસકાર દેશોમાંનો એક છે. અનેક આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સ અહીંથી કપડાં ખરીદે છે. તેથી લાંબા સમય સુધી ઉત્પાદન બંધ રહે તો નિકાસ ઓર્ડર અને વિદેશી ગ્રાહકો સાથેના વેપાર સંબંધો પર અસર પડી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઉદ્યોગપતિઓએ ઉત્પાદન ખર્ચ વધવાની ચિંતા વ્યક્ત કરી
ગારમેન્ટ ફેક્ટરીના માલિકોનું કહેવું છે કે વધતા ઉત્પાદન ખર્ચ, ઊર્જાની અનિશ્ચિતતા અને વૈશ્વિક બજારમાં ઘટતી માંગને કારણે ઉદ્યોગ પહેલેથી જ દબાણ હેઠળ છે. મજૂરોની માંગ મુજબ એકસાથે મોટો પગારવધારો કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. બીજી તરફ મજૂર સંગઠનોનું કહેવું છે કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય અને જીવનનિર્વાહ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સરકાર અને મજૂરો વચ્ચે ચર્ચા પર નજર
બાંગ્લાદેશમાં ગારમેન્ટ ઉદ્યોગનું કામકાજ સામાન્ય બને તે માટે સરકારે ઉદ્યોગપતિઓ અને મજૂર સંગઠનો સાથે ચર્ચાની પ્રક્રિયા શરૂ કરી છે. સોમવારે ગૃહમંત્રીએ પણ ગારમેન્ટ ઉદ્યોગના માલિકો સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આગામી સમયમાં વેતન બોર્ડની ભલામણો અને સરકારના નિર્ણય પર મજૂરો તથા ઉદ્યોગપતિઓની નજર રહેશે.











