ગોંડલ APMCમાં ‘કડદા’ મુદ્દે રાજકારણ ગરમાયું: આપ નેતા જીગીશા પટેલ અને ચેરમેન અલ્પેશ ઢોલરિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી

Clash at Gondal APMC Over Kadada Issue: ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાં અને કપાસના તોલમાં થતી કપાત (કડદા) બાબતે આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ અને યાર્ડના સત્તાધીશો વચ્ચે ભારે ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આપ નેતા જીગીશા પટેલે ખેડૂતોની પીડાને વાચા આપવા ચેરમેનને તાત્કાલિક આ કપાત બંધ કરવા રજૂઆત કરી હતી. સામે પક્ષે ગોંડલ APMCના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ આ રજૂઆતને ‘ચૂંટણીલક્ષી રાજકારણ’ ગણાવી આકરો પલટવાર કર્યો હતો. રજૂઆત સમયે ગોંડલ યાર્ડના એક ડિરેક્ટરે એવું પણ કહ્યું હતું કે “આવા લોકોને જવાબ જ ન દેવાનો હોય!”.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખેડૂતોની કપાત બંધ કરાવવા આવ્યા હતા: જીગીશા પટેલ
આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, “અહીં ખેડૂતો મરચાં વેચવા આવે ત્યારે વેપારીઓ દ્વારા કંતાનનો 500 grams વજન કાપી લેવામાં આવે છે. ખેડૂત 60 રૂપિયાથી 120 રૂપિયામાં કંતાન ખરીદીને લાવે છે, વેપારીઓ એ કંતાન પણ લઈ જાય છે અને ઉપરથી 500 grams મરચાંનો વજન પણ કાપે છે. બાદમાં ખેડૂતોએ ફરી વેપારીઓ પાસેથી કંતાન ખરીદવું પડે છે. 1963 ના APMC કાયદાની કલમ 35 મુજબ આવી કોઈ કપાતની જોગવાઈ જ નથી. છતાં અહીં કડદો થાય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે કપાસની ઘાસડીઓની હરાજી બાદ બિલ બનાવતી વખતે પણ 10 રૂપિયાથી 20 રૂપિયાની કપાત કરવામાં આવે છે. જો ખેડૂતોના હિત માટે અમારે આવું રાજકારણ કરવું પડે તો અમે કરીશું. જો અમરેલી યાર્ડમાં આ કપાત ન થતી હોય તો ગોંડલ, રાજકોટ, હાપા અને જેતપુરમાં આ કડદો કેમ ચલાવવામાં આવે છે?
આ પણ વાંચોઃ ક્રિકેટ જગતમાં અફઘાનિસ્તાનનો ડંકો: ICC ODI રેન્કિંગમાં શ્રીલંકાને પાછળ છોડીને છઠ્ઠું સ્થાન કર્યું હાસલ
‘ચૂંટણી આવે એટલે વરસાદી જીવડાં બહાર આવે’: અલ્પેશ ઢોલરિયા
આપના આક્ષેપો સામે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “માર્કેટિંગ યાર્ડની ચૂંટણી નજીક આવે છે એટલે વરસાદી જીવડાં બહાર આવે તેમ આ લોકો માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા આવી પહોંચે છે. જે યાર્ડના નેતાઓ નામ લે છે, ત્યાંથી 3 km દૂર રહેતા ખેડૂતો પણ 80 km દૂર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવે છે, કારણ કે ગોંડલમાં મણ દીઠ 300 રૂપિયાથી 400 રૂપિયા ભાવ વધારે મળે છે.”
અલ્પેશ ઢોલરિયાએ વધુમાં કહ્યું કે કોઈ પાર્ટીને યાર્ડની વ્યવસ્થા સામે વાંધો હોય તો હિંમત રાખીને ચૂંટણી લડી લેવી જોઈએ. અગાઉ પણ આ ટીમ ચૂંટણી લડી હતી અને તેમને 5% થી પણ ઓછા મત મળ્યા હતા, જ્યારે અમે 95% બહુમતીથી બેઠા છીએ.
કોણ છે જીગીશા પટેલ?
જીગીશા પટેલનો જન્મ જૂનાગઢના મેંદરડામાં થયો હતો અને તેઓ મૂળ વંથલી તાલુકાના મોટા કાજલિયાળા ગામના છે. તેઓ વર્ષ 2015 ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર મહિલા આગેવાન તરીકે જાણીતા બન્યા હતા. હાલ તેઓ આમ આદમી પાર્ટી (AAP) ના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે.
કોણ છે અલ્પેશ ઢોલરિયા?
અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરિયા રાજકોટ જિલ્લાના ભાજપના અને સહકારી ક્ષેત્રના અગ્રણી નેતા છે. હાલ તેઓ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કાર્યરત છે. તેઓ ગોંડલના નાના લીલાખા ગામના વતની છે.
આ પણ વાંચોઃ બાળકો ChatGPT પર શું સર્ચ કરે છે તેની જાણ હવે માતા-પિતાને પણ થશે!












