ગુજરાત

નારોલ પોલીસ ઉંઘતી ઝડપાઈ: 10 દિવસમાં પાંચ મોટા દરોડા, કમિશનર અને DGP કચેરી દ્વારા તપાસના આદેશ

અમદાવાદ 15 ફેબ્રુઆરી 2026: અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનની હદ અત્યારે ગુનાખોરીનું હબ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં જુદી જુદી એજન્સીઓ દ્વારા પાંચ વખત દરોડા પાડીને દારૂ, જુગાર અને ગાંજાના મોટા જથ્થા ઝડપી લેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા આ કાળા કારોબારને કારણે પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી છતી થઈ છે, જેને પગલે હવે પોલીસ કમિશનર અને DGP ઓફિસ દ્વારા કડક તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

PCBની ફિલ્મી ઢબે કાર્યવાહી

તાજેતરમાં અમદાવાદ પી.સી.બી. (PCB) ના પીઆઇ જે.પી. જાડેજા અને પીએસઆઇ ખાંટની ટીમને બાતમી મળી હતી કે નારોલ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી એક કાર પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે નારોલ દેવ હોટલ પાસે વ્યૂહાત્મક રીતે ટ્રાફિક જામ સર્જ્યો હતો. જ્યારે કાર ત્યાં પહોંચી ત્યારે ચાલકે નાસી છૂટવા માટે એક કચરાની ગાડીને ટક્કર પણ મારી હતી, પરંતુ ટ્રાફિક હોવાથી તે ભાગી શક્યો નહોતો.

પોલીસે કારમાંથી રવિ ગોપાલ વછેટા (રહે. નારોલ, મૂળ રાજસ્થાન) ને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન કારમાં કાળા કપડાં નીચે છુપાવેલી 4.55 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે નરોડાના વિપુલે બારેજાથી આ જથ્થો ભરી આપ્યો હતો, જે શાહિબાગના બુટલેગરો વિકો ઝાલા, અમીયા ઉર્ફે ગરુ અને લાલાને પહોંચાડવાનો હતો. હાલ અન્ય ચાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓના દરોડા

નારોલ વિસ્તારમાં માત્ર દારૂ જ નહીં, પણ નશીલા દ્રવ્યોનો પણ મોટો કારોબાર ફૂલ્યો-ફાલ્યો છે.

  • 8 ફેબ્રુઆરી: PCBની ટીમે 10,749 વિદેશી દારૂની બોટલો ઝડપી હતી.

  • 13 ફેબ્રુઆરી: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારોલ સર્કલ પાસેથી 406 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચે બે વખત દારૂ અને એક વખત મોટા જુગારના અડ્ડા પર દરોડો પાડીને સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી છે.

પોલીસની સંડોવણીની શંકા

એક જ સપ્તાહમાં પાંચ-પાંચ વખત બહારની એજન્સીઓ દરોડા પાડે અને સ્થાનિક પોલીસને તેની જાણ પણ ન હોય, તે વાત ગળે ઉતરે તેવી નથી. ચર્ચા એવી પણ છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સ્થાનિક પોલીસની મૂક સંમતિ અથવા સીધી સંડોવણી હોઈ શકે છે. વધુમાં, એવી પણ વિગતો બહાર આવી છે કે સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતો એક પોલીસકર્મી ત્યાં બેઠા-બેઠા નારોલમાં પોતાનું સામ્રાજ્ય ચલાવે છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશનો એક અનોખો કિસ્સો: અપહરણના 65 વર્ષ પછી એક મહિલા ઘરે પરત ફરી તે 80 વર્ષની છે, જેણે બધાને ચોંકાવી દીધા

Back to top button