ટ્રેન્ડિંગનેશનલ

મિત્રો સાથે મળીને મંગાવ્યો ઝેરીલો સાપ, ઘરે લાવીને પત્નીને કરડાવી કરી હત્યા, પતિ સહિત 4 ની ધરપકડ

મહારાષ્ટ્ર: 13 ડિસેમ્બર, 2025: મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના બદલાપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે લગભગ ત્રણ વર્ષ પહેલાં થયેલા એક મહિલાના મૃત્યુ મામલે તેના પતિ સહિત ચાર લોકોની હત્યાના આરોપસર ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે મહિલાની હત્યા કોઈ સામાન્ય રીતે નહીં, પરંતુ ઝેરી સાપથી ડંખ મરાવીને કરવામાં આવી હતી.

ઝેરી સાપ કરડાવી હત્યા

પોલીસે જણાવ્યું કે, નીરજા રૂપેશ આંબેકરનું મૃત્યુ 10 જુલાઈ, 2022ના રોજ બદલાપુર ઈસ્ટ સ્થિત ઉજ્વલદીપ સોસાયટીમાં તેમના ઘરે થયું હતું. તે સમયે આ કેસ આકસ્મિક મૃત્યુ તરીકે નોંધવામાં આવ્યો હતો. શરૂઆતી તપાસમાં કોઈ શંકાની ગુંજાઇશ નહોતી, પરંતુ બાદમાં કેટલાક સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ સામે આવતા પોલીસે ફરીથી તપાસ શરૂ કરી.

પતિએ રચ્યું કાવતરૂ

પોલીસની તપાસ દરમિયાન ખુલાસો થયો કે, મૃતક નીરજાનો 40 વર્ષીય પતિ રૂપેશ આંબેકર તેની પત્ની સાથે સતત ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો. આ ઝઘડાઓને કારણે તેણે પત્નીને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું. આ ષડયંત્રમાં રૂપેશના મિત્ર રુશિકેશ રમેશ ચાલકે અને 25 વર્ષીય કુણાલ વિશ્વનાથ ચૌધરી પણ સામેલ હતો. આરોપીઓએ 36 વર્ષીય ચેતન વિજય દુધાણે નામના એક સ્નેક રેસ્ક્યુ વોલન્ટિયરનો સંપર્ક કર્યો, જેણે તેમને એક ઝેરી સાપ લાવી આપ્યો. ષડયંત્ર હેઠળ તે જ સાપથી નીરજાને ડંખ મરાવવામાં આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું.

બચવાની યોજના:

આરોપીઓને લાગતું હતું કે સાપ કરડવાથી થયેલા મોતને સ્વાભાવિક કે દુર્ઘટના માની લેવામાં આવશે અને તેઓ છટકી જશે. જોકે, પોલીસની સતર્કતા અને ટેકનિકલ તપાસના કારણે આ રહસ્ય ખૂલી ગયું. હવે ત્રણ વર્ષ બાદ પોલીસે હત્યાનો કેસ નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. સિનિયર ઇન્સ્પેક્ટર નિતિન પાટીલે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે અને તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ એક ફોટો, અનેક અટકળો: શરદ પવારની પાર્ટીમાં દેખાયા રાહુલ ગાંધી અને અદાણી

આ પણ વાંચોઃ કોંગ્રેસે જાહેર કર્યા મોટા બુટલેગરોના નામ, એડ્રેસ અને દારૂ ઘુસાડવાનો સમય; જાણો કોણ છે આ ઇસમો

Back to top button