ગુજરાતટ્રેન્ડિંગ

મોરબીના જેતપરમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન, વીજપોલ અને વળતરના મુદ્દે ઉગ્ર વિરોધ

Morbi farmers protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો છેલ્લા આઠ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમની મુખ્ય માંગ છે કે તેમની ખેતીની જમીનમાં અદાણી જૂથ સાથે જોડાયેલા વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે નાખવામાં આવતા હાઈ વોલ્ટેજ વીજપોલ અને લાઈન માટે યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોના કહેવા મુજબ, પોલ નાખવાથી તેમની ઉપજાઉ જમીન બગડી રહી છે, પાક વાવવામાં અડચણ આવી રહી છે અને અત્યાર સુધી કોઈ યોગ્ય કમ્પેન્સેશન મળ્યું નથી.

આંદોલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા સહિત અનેક ખેડૂતો અને મહિલાઓ પણ સામેલ છે. કેટલાક ખેડૂતોની તબિયત લથડી ગઈ છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આંદોલનના ભાગરૂપે 1000થી વધુ ખેડૂતોએ માથા મુડાવીને વિરોધ પ્રદર્શન પણ કર્યું છે.

ખેડૂતોની માંગ

  • વીજપોલ નાખવાથી ખેતરોમાં થતા નુકસાન માટે પૂરતું અને તાત્કાલિક વળતર.
  • જમીન અને પાકના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન.
  • પ્રોજેક્ટ કામ આગળ વધારતા પહેલા ખેડૂતો સાથે વાતચીત અને સંમતિ.
  • આ માત્ર જેતપરનો નહીં, સમગ્ર ગુજરાતના ખેડૂતોને અસર કરતો મુદ્દો હોવાનું ખેડૂતો કહે છે.

સરકાર અને મંત્રીની ભૂમિકા

જેતપર મંત્રી કાંતિલાલ અમૃતિયાનું વતન છે. તેઓ આંદોલન વચ્ચે ગામે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે વાતચીત કરીને માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર ગુજરાતના ખેડૂતોને લાભ થાય તેવો નિર્ણય લેવાશે. જોકે, ખેડૂતોના કહેવા મુજબ હજુ સુધી કોઈ મૂળ સમાધાન થયું નથી.

આંદોલન સ્થળે પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓ પણ પહોંચ્યા હતા, પરંતુ મીડિયા જોઈને તેઓ જવાબ વિના પરત ફરી ગયા હોવાના વીડિયો વાયરલ થયા છે. ખેડૂતોએ સરકારના વાટાઘાટોના આમંત્રણને પણ ફગાવ્યું છે અને માંગ કરી છે કે પહેલા વળતર અને પરિપત્રમાં સુધારો કરવામાં આવે.

ઈસુદાન ગઢવીનું નિવેદન

AAP ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ આ મામલે સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું, “કરોડો રૂપિયા કમાવા આવેલી કંપનીઓની દલાલ બનીને ભાજપ સરકાર કંપનીઓને ભાડે પોલીસ આપીને ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર કરવામાં કોઈ કસર નથી છોડી રહી.

મોરબીના જેતપરમાં પોતાની જમીન બચાવવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા 8 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે તેમ છતાં સરકારને કોઈ અસર નથી. સરકારના એક મંત્રી પણ આ ગામના જ છે તેમ છતાં ખેડૂતોના પ્રશ્નોની નોંધ લેવાતી નથી. હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક અસરે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની મુલાકાત લેવામાં આવે અને તેમના પ્રશ્નો સાંભળવામાં આવે.”

આ આંદોલનને લઈને સ્થાનિક અને સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ છે. ખેડૂતો મક્કમ છે અને જો માંગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ વિસ્તારવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: GASમાંથી IAS બન્યા 17 અધિકારીઓ, ગુજરાત કેડરમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ નિમણૂક

Back to top button