ગુજરાતવિશેષ

ભુમાફિયાઓ પર કડક એક્શન: આડેસરમાં હારુન હિંગોરજા પાસેથી મુક્ત કરાવેલી કરોડોની જમીન પર બનશે હાઈટેક પોલીસ સ્ટેશન

Adesar Police Station: ગુજરાત સરકારની ભુમાફિયાઓ અને ગુનેગારો સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિના ભાગરૂપે પૂર્વ કચ્છના આડેસરમાં એક ઐતિહાસિક સરકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુખ્યાત ગુનેગાર હારુન અયુબ હિંગોરજાના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવેલી આશરે 10,000 ચોરસ મીટર સરકારી જમીન પર હવે જનતાની સુરક્ષા કાજે એક અત્યાધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા જમીનની સત્તાવાર મંજૂરી મળતા જ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરાવી દીધી છે.

હાઈવે પરની કિંમતી જમીન પરથી હટાવવામાં આવ્યું હતું દબાણ

પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર ખાતે રાધનપુર-સામખીયારી હાઈવે પર વન વિભાગની કચેરી નજીક કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન આવેલી છે. ભૂતકાળમાં સ્થાનિક માફિયા હારુન અયુબ હિંગોરજાએ આ જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને ત્યાં ‘સહારા હોટલ’ બનાવી દીધી હતી. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ 10,000 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી તેને સંપૂર્ણપણે દબાણમુક્ત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સ્પષ્ટ આદેશ છે કે ગુનેગારો પાસેથી જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા માટે જ થવો જોઈએ, જેને પગલે આડેસર પોલીસે અહીં નવું ભવન બનાવવા દરખાસ્ત કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અદ્યતન સુવિધાઓ અને ગાર્ડનથી સજ્જ બનશે નવું ભવન

ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં આ જગ્યા પર ભવ્ય અને તમામ સુવિધાઓથી સજ્જ નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ નવા કેમ્પસમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) માટે ખાસ ચેમ્બર, અત્યાધુનિક લોકઅપ, સ્ટાફ રૂમ, ક્રાઈમ રેકોર્ડ રૂમ અને પીએસઓ (PSO) રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, પોલીસ કર્મચારીઓ તેમજ મુલાકાતી નાગરિકો માટે વિશાળ કમ્પાઉન્ડ અને એક સુંદર ગાર્ડન પણ તૈયાર કરવામાં આવશે.

હાઈવે પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે

રાધનપુર-સામખીયારી નેશનલ હાઈવે પર જ આ નવું પોલીસ સ્ટેશન આકાર લઈ રહ્યું હોવાથી પૂર્વ કચ્છ સરહદ પર પોલીસની પકડ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. આ લોકેશનને કારણે હાઈવે પેટ્રોલિંગની કામગીરી અત્યંત અસરકારક બનશે, જે વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને ગુનાખોરી ડામવામાં મદદરૂપ થશે. સરકારનો આ નિર્ણય ગુનેગારોમાં ફફડાટ ફેલાવનારો અને પ્રજાનો કાયદા પરનો વિશ્વાસ અડીખમ રાખનારો સાબિત થયો છે.

આ પણ વાંચો: Maradona Hand of God Goal: ડિએગો મારાડોનાનો એ ગોલ શું હતો, 36 વર્ષ બાદ પણ જેને ફેન્સ યાદ કરે છે

Back to top button