મંદિરોમાં VIP દર્શન વિરુદ્ધ અરજી, હાઈકોર્ટે કહ્યું – ભગવાન માટે તો બધા જ સમાન છે

Madras High Court VIP darshan Hearing: મદ્રાસ હાઈકોર્ટે 29 મેના રોજ મૌખિક ટિપ્પણી કરતાં પ્રશ્ન ઉઠાવ્યો કે ભગવાન સમક્ષ બધા લોકો સમાન હોય છે, તો પછી મંદિરોમાં VIP દર્શન જેવી વ્યવસ્થા શા માટે હોવી જોઈએ? કોર્ટે નોંધ્યું કે આવી વ્યવસ્થાના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરની બહાર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
હકીકતમાં, જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ વી. લક્ષ્મીનારાયણનની બેન્ચ મંદિરોમાં VIP દર્શન અને સ્પેશિયલ દર્શનની વ્યવસ્થા બંધ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી, ત્યારે તેમણે આ ટિપ્પણી કરી હતી.
મંદિરમાં ભગવાન મંત્રીઓની રાહ નથી જોઈ રહ્યા
સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું, “મંત્રીઓ અને ધારાસભ્યોને એવું ન વિચારવા દો કે તેઓ ગમે ત્યારે મંદિરમાં પ્રવેશ કરી શકે છે અને ભગવાન તેમની રાહ જોઈ રહ્યા હશે. VIP દર્શનની જરૂર જ શું છે? ભગવાન માટે બધા જ સમાન છે.”
VIP દર્શન વ્યવસ્થા બંધ કરવાની માંગ
લાઇવ લો અનુસાર દાખલ કરાયેલી અરજીમાં વરિષ્ઠ નાગરિકો, અપંગ વ્યક્તિઓ, મંદિર કલા સાથે સંકળાયેલા કલાકારો, નવવિવાહિત દંપતી, રાજ્યના વડા, બંધારણીય પદાધિકારીઓ અને ગર્ભવતી મહિલાઓને બાદ કરતાં અન્ય તમામ લોકો માટે VIP દર્શન વ્યવસ્થા બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે અગાઉ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે 15 મેના રોજ કોઈ મંત્રીના દર્શન માટે તિરુપરંકુન્દ્રમ સુબ્રમણ્યસ્વામી મંદિરના દર્શનનો સમય વધારવામાં આવ્યો હતો કે નહીં. કોર્ટે આ મુદ્દે સ્પષ્ટતા માંગતાં VIP દર્શન વ્યવસ્થાની જરૂરિયાત અને તેના કારણે સામાન્ય ભક્તોને થતી અસુવિધા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
આ કેસની આગામી સુનાવણી છ અઠવાડિયા પછી
આ મુદ્દે એડિશનલ એડવોકેટ જનરલ પી.વી. બાલાસુબ્રમણ્યમે બેન્ચને જણાવ્યું હતું કે મંદિરના દર્શન બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. આ સંબંધિત એક રિપોર્ટ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પી.વી. બાલાસુબ્રમણ્યમે કોર્ટ પાસે જવાબી સોગંદનામું (કાઉન્ટર એફિડેવિટ) દાખલ કરવા માટે સમય માગ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે આ વિનંતી સ્વીકારી હતી અને કેસની આગામી સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખી હતી.
VHPના એક અધિકારીએ દાખલ કરી છે અરજી
નોંધનીય છે કે આ અરજી મદ્રાસ હાઈકોર્ટમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર તમિલનાડુ એકમના અધ્યક્ષ પી. ચોકલિંગમ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે હિંદુ ધાર્મિક અને ધર્માદા એન્ડોમેન્ટ્સ (HR&CE) અધિનિયમની કલમ 6(15)(b) હેઠળ તેમની અરજી વિચારણાને પાત્ર છે. અરજીમાં મંદિરોમાં VIP દર્શન અને વિશેષ દર્શનની વ્યવસ્થા સમાપ્ત કરીને સામાન્ય ભક્તોને સમાન તક અને સુવિધા મળે તે માટે માંગ કરવામાં આવી છે.
સનાતન ધર્મ ભેદભાવ રાખતો નથી
પી. ચોકલિંગમે પોતાની અરજીમાં જણાવ્યું છે કે સનાતન ધર્મ જાતિ, આર્થિક સ્થિતિ કે સામાજિક દરજ્જાના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ શીખવતો નથી. તેમણે દલીલ કરી હતી કે સનાતન ધર્મ તમામ મનુષ્યોને સમાન માનવાની શિક્ષા આપે છે. તેથી મંદિરોમાં VIP અને સામાન્ય ભક્તો અથવા અમીર અને ગરીબ વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવો યોગ્ય નથી. અરજીમાં જણાવાયું છે કે ભગવાન સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે, તેથી દર્શનની વ્યવસ્થામાં પણ સમાનતા જળવાઈ રહેવી જોઈએ.
આ પણ વાંચો: દિલ્હીમાં મોટા આતંકી હુમલાની યોજના નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ












