ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, હોટલ-રેસ્ટોરન્ટનું ખાવાનું થઈ શકે છે મોંઘું

LPG price hike: દેશમાં કોમર્શિયલ અને નાના LPG સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. આજે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 42નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 5 કિલોના નાના LPG સિલિન્ડરના ભાવમાં 11નો વધારો કરવામાં આવ્યો છે.

વધેલા ભાવોને લઈને કોંગ્રેસે ફરી એકવાર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી કોંગ્રેસે જણાવ્યું કે, મોંઘવારી મેન મોદીએ 5 કિલોના નાના LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કર્યો છે. કોંગ્રેસે આ ભાવવધારાને સામાન્ય લોકો પર વધતા આર્થિક બોજ સાથે જોડીને સરકારની ટીકા કરી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે છેલ્લા એક મહિનામાં 5 કિલોના નાના LPG સિલિન્ડરના ભાવમાં કુલ 272નો વધારો થયો. 1 જૂને 11 અને 1 મેના રોજ 261નો વધારો કરવામાં આવ્યો, એટલે કુલ મળીને 272નો ભાવવધારો થયો છે.

કોંગ્રેસે કહ્યું કે, “પહેલા મોંઘવારી મેને લોકોને નાના સિલિન્ડર ખરીદવાની સલાહ આપી અને હવે તેમની પાસેથી વસૂલી શરૂ કરી દીધી છે.” કોંગ્રેસે આ ભાવવધારાને સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પર વધતા આર્થિક બોજ તરીકે રજૂ કરીને કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

ક્યાં પડશે અસર?

1 જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક સ્થળોએ ઉપયોગમાં લેવાતા 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ ભાવવધારાના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોનો ખર્ચ વધશે, જેના પરિણામે બહારનું ભોજન અને કેટલીક સેવાઓ મોંઘી થઈ શકે છે. જોકે, ઘરેલુ રસોડામાં ઉપયોગમાં લેવાતા સામાન્ય LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, ઘરેલુ ગ્રાહકો માટે સિલિન્ડરની કિંમત હાલ અગાઉ જેવી જ યથાવત્ રહેશે.

આ તાજો ભાવવધારો એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે તાજેતરમાં જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને LPG, પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. શુક્રવારે વિવિધ મંત્રાલયો વચ્ચે યોજાયેલી બેઠકમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે સરકાર વ્યૂહાત્મક ભંડાર (Strategic Reserves) અને વધુ સારી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ દ્વારા દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા પર કામ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને ઓછામાં ઓછા 30 દિવસની વપરાશ જેટલો LPGનો અનામત જથ્થો જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, કાચા તેલના ભંડારને વધુ મજબૂત બનાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં પુરવઠા સંબંધિત કોઈ મુશ્કેલી ઊભી ન થાય.

આ પણ વાંચો: પહેલગામ હુમલાનું પાકિસ્તાન કનેક્શન? આતંકીઓ પાસેથી મળેલા ફોનથી મોટો ખુલાસો

Back to top button