પહેલગામ હુમલાનું પાકિસ્તાન કનેક્શન? આતંકીઓ પાસેથી મળેલા ફોનથી મોટો ખુલાસો

Pahalgam Terror Attack: ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જમ્મુ અને કાશ્મીર પોલીસે આ કેસની તપાસ કરતા એવા પુરાવા શોધી કાઢ્યા છે જે પાકિસ્તાનની નાપાક છબીને ફરી એકવાર ઉજાગર કરે છે. હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન પડોશી દેશ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાન સાથે લિંક્સ
પહેલગામ આતંકી હુમલાની તપાસ દરમિયાન આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બે મોબાઇલ ફોનનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. આ બંને મોબાઇલ ફોન વર્ષ 2021 અને 2023માં ખરીદવામાં આવ્યા હતા, પરંતુ તે ઘણા વર્ષો સુધી બંધ હાલતમાં રહ્યા હતા. ત્યારબાદ પહેલગામ હુમલા દરમિયાન જ તેમને પહેલીવાર ચાલુ કરવામાં આવ્યા હતા.
સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી આ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. તપાસ એજન્સીઓ હવે આ ફોનના કોલ રેકોર્ડ, ડિજિટલ ડેટા અને અન્ય ટેક્નિકલ વિગતોના આધારે હુમલાના આંતરરાષ્ટ્રીય કનેક્શનોની વધુ તપાસ કરી રહી છે.
પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓ, ફૈસલ ઉર્ફે સલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમઝા અફગાનીને 28 જુલાઈ, 2025ના રોજ મલનાર મહાદેવ ખાતે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ પાસેથી શાઓમી રેડમી સિરીઝના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેમાં એક રેડમી 9T અને બીજો રેડમી નોટ 12 મોડલનો ફોન હતો. તપાસ એજન્સીઓએ આ ફોનમાંથી મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા એકત્ર કર્યા છે, જેના આધારે હુમલાના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને આતંકવાદીઓના નેટવર્ક અંગે વધુ માહિતી મળી રહી છે.
હુમલા સમયે બંને ફોન સક્રિય હતા
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વર્ષ 2021માં પાકિસ્તાનના કરાચીમાં આવેલી ટેક સિરત કંપનીએ રેડમી 9T મોબાઇલની સંપૂર્ણ ખેપ મંગાવી હતી. આ શિપમેન્ટની ચુકવણી પાકિસ્તાનની ફૈઝલ બેંક દ્વારા કરવામાં આવી હતી. શિપમેન્ટ સંબંધિત દસ્તાવેજોમાં લોજિસ્ટિક્સ કંપની અને ડિલિવરીનું સરનામું પણ ફૈસલ બેંકની મુખ્ય શાખા, શાહરા-એ-ફૈસલ, કરાચી તરીકે નોંધાયેલું હતું.
જ્યારે બીજો ફોન વર્ષ 2023માં લાહોર સ્થિત એર લિંક કોમ્યુનિકેશન કંપની દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ બંને મોબાઇલ ફોન પહેલગામ આતંકી હુમલા દરમિયાન જ પહેલીવાર સક્રિય કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમના પાકિસ્તાન સાથેના સંભવિત સંબંધોને લઈને તપાસ વધુ તેજ બની છે.
22 એપ્રિલ 2025ના રોજ થયો હતો પહેલગામ આતંકી હુમલો
આ આતંકી હુમલો 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ ખાતે થયો હતો, જેમાં 26 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે (TRF)એ લીધી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓ TRFને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલ સંગઠન માને છે.
હુમલાખોરોએ લોકોને તેમનો ધર્મ પૂછ્યો હતો અને કલમા પઢવા કહ્યું હતું. ત્યારબાદ તેમણે બિન-મુસ્લિમ લોકોની ઓળખ કરીને તેમને નિશાન બનાવ્યા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને તેની વ્યાપક નિંદા કરવામાં આવી હતી.
હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક પોની (ઘોડા) ચલાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સ્થાનિક વ્યક્તિએ પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મૃતકોમાં ઘણા એવા લોકો પણ હતા જેમના તાજેતરમાં જ લગ્ન થયા હતા. કેટલાક પીડિતોને તેમના પરિવારજનોની હાજરીમાં જ નજીકથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6 અને 7 મે, 2025ની રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી સંગઠનોના મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય સશસ્ત્ર દળોએ આ કાર્યવાહી આતંકવાદી માળખાને નુકસાન પહોંચાડવા અને હુમલાનો જવાબ આપવા માટે કરી હતી.
આ પણ વાંચો: VIDEO: ઉત્તર પ્રદેશની શરમજનક ઘટના, પિતાએ પોતાની માસૂમ બાળકી સાથે મારપીટ કરી નાળામાં નાખી દીધી












