ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર, વહેલી સવારથી ડેપો બહાર ભીડ

બનાસકાંઠા, 8 નવેમ્બર 2025: રવિ પાકોના વાવેતરની મોસમ શરૂ થતાં જ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે. શનિવારે વહેલી સવારથી જ સ્થાનિક સહકારી મંડળીના ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. બટાટા, એરંડા, રાયડો, ઘઉં, જીરું અને ધાણા જેવા પાકો માટે યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરની મોટી જરૂરિયાતને પગલે ખેડૂતો રાત્રે જ ડેપો પાસે આવીને ટોકન મેળવવા લાઈનમાં ઊભા રહે છે.

અમીરગઢ અને આસપાસના ગામોના ખેડૂતોનું કહેવું છે કે વાવેતરનો સમય ચૂકી જશે તો પાક પર અસર થશે. એક ખેડૂતે જણાવ્યું, “અમે સવારે ૪ વાગ્યે આવ્યા છીએ, તોપણ નંબર ૧૫૦ આવ્યો છે. ખાતર વિના વાવેતર કેવી રીતે થાય?” અન્ય ખેડૂતે કહ્યું કે બટાટા અને એરંડા માટે ખાસ ખાતરની જરૂર છે, પરંતુ સ્ટોક મર્યાદિત છે અને દરરોજ માત્ર ૫૦-૬૦ બેગ જ વહેંચાય છે.

સ્થાનિક સહકારી મંડળીના અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી ખાતરનો જથ્થો મોકલવામાં આવે છે, પરંતુ માંગ વધુ હોવાથી અછત રહે છે. ખેડૂતોએ માંગ કરી છે કે અગાઉની જેમ ખાતાની વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવે, જેમાં ખેડૂતોને તેમના ખેતરના કદ પ્રમાણે અગાઉથી ખાતર ફાળવવામાં આવતું હતું. આ વ્યવસ્થા હેઠળ ટોકન અને કતારની મુશ્કેલી ઓછી થાય તેમ છે.

આ અછતથી ખેડૂતોમાં અસંતોષ વધ્યો છે અને તેઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી આપી છે. સરકારે ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ઝડપી પુરવઠો સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે, પરંતુ હજુ સુધી સ્થાનિક સ્તરે રાહત મળી નથી.

આ પણ વાંચો: નાના ચિલોડામાં બળદને લઈ જતી ઢોર પાર્ટી અને માલિક વચ્ચે ઘર્ષણ, નરોડા પોલીસમાં ફરિયાદ

Back to top button