
30/07/2026: રાજ્યસભામાં ગુરુવારે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગનો મુદ્દો ઉઠાવીને સીધી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી.
ચર્ચા દરમિયાન ખડગેએ ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ગૃહમંત્રી ગૃહમાં આવતા નથી, પરંતુ તેઓ લાંબા સમય સુધી બંધ રૂમમાં છુપાઈને રહી શકે નહીં.
‘બંધ રૂમમાં બહુ દિવસ છુપાઈ નહીં શકો’
ખડગેએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “તમે બંધ રૂમમાં રહીને મારી વાત સાંભળી રહ્યા હશો, પરંતુ તમે બંધ રૂમમાં બહુ દિવસ છુપાઈ નહીં શકો. એક દિવસ અમે તમને બહાર ખેંચીને લાવીશું અને જનતા સામે બતાવીશું.” આ નિવેદન બાદ રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષ તરફથી ખડગેના નિવેદનને સમર્થન મળ્યું, જ્યારે સત્તાપક્ષના સભ્યોએ આ શબ્દો સામે વાંધો ઉઠાવ્યો હતો.
જે.પી. નડ્ડાએ કહ્યું- અસંસદીય શબ્દોનો ઉપયોગ ન કરો
ખડગેના નિવેદન બાદ સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ વાંધો ઉઠાવ્યો હતો. નડ્ડાએ કહ્યું કે વિપક્ષના નેતાએ તર્ક સાથે વાત કરવી જોઈએ અને ભાવાવેશમાં આવીને એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ જે અસંસદીય હોય. તેમણે અધ્યક્ષને ખડગેના આ શબ્દોને રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવાની માંગ કરી હતી. આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.
ખડગેએ પોતાના નિવેદન પર આપી સફાઈ
હોબાળો વધ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય અસંસદીય ભાષાનો ઉપયોગ કરતા નથી. ખડગેએ કહ્યું કે “અમે બહાર ખેંચીને લાવીશું”નો અર્થ તેમણે વ્યક્તિગત રીતે કોઈને ખેંચીને બહાર લાવવાનો નહોતો કર્યો. તેમનો ઈશારો જનશક્તિ અને વિદ્યાર્થીઓ તરફ હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે જનશક્તિ તેમને બહાર લાવશે. તેમણે ગૃહમંત્રીને સંસદમાં આવીને બેસવા, વિપક્ષની વાત સાંભળવા અને સવાલોના જવાબ આપવા પણ કહ્યું હતું.
‘પેપર ચોરનારા બચતા રહ્યા, મહેનત કરનારા પિટાતા રહ્યા’
એન્ટી પેપર લીક બિલ પર પોતાના ભાષણની શરૂઆતમાં ખડગેએ કાવ્યાત્મક અંદાજમાં સરકાર પર પ્રહાર કર્યો હતો.
“પેપર ચોરનારા બચતા રહ્યા,
મહેનત કરનારા પિટાતા રહ્યા,
આ કેવો ન્યાય,
આ કેવી રીત?
ગુનેગાર હસતા રહ્યા,
માસૂમ સિસકતા રહ્યા.”
આ પછી તેમણે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ દાવો કર્યો હતો કે પોલીસ કાર્યવાહી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને હાથ-પગમાં ઈજા થઈ હતી, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને કાન અને આંખોમાં પણ ઈજા થઈ છે.
વિદ્યાર્થીઓ પર બળપ્રયોગને લઈને ગૃહમંત્રી પાસે જવાબ માંગ્યો
ખડગેએ 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન થયેલા પોલીસ બળપ્રયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખડગેએ સરકારને સવાલ કર્યો હતો કે વિદ્યાર્થીઓ પર થયેલા આ બળપ્રયોગની જવાબદારી કોણ લેશે? તેમણે સીધા ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવતાં તેમના રાજીનામાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના શરીર અને આંખોમાં પેલેટ ગનના છરાં વાગ્યાના કિસ્સા સામે આવ્યા છે. આવી સ્થિતિ જોઈને તેમને શરમ આવે છે, પરંતુ સરકારને શરમ આવે છે કે નહીં તે ખબર નથી.
आज, 2 साल बाद आप जो काम कर रहे हैं, उसे 2024 में क्यों नहीं किया? क्योंकि तब आपको राजनीति करनी थी। लोकसभा चुनाव सामने थे।
श्री राहुल गाँधी, भारत जोड़ो न्याय यात्रा में लगातार paper leak और युवाओं के भविष्य का मुद्दा उठा रहे थे। आप ये करते तो credit नहीं मिलता।
उस समय परीक्षा… pic.twitter.com/phug9DrtUl
— Mallikarjun Kharge (@kharge) July 30, 2026
‘ભાવાવેશમાં ન આવો’- નડ્ડાનો ખડગેને જવાબ
નડ્ડાએ ખડગેના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે વિપક્ષના નેતાએ ગંભીર મુદ્દાઓ પર તર્ક સાથે વાત કરવી જોઈએ. તેમણે ખડગેને ભાવાવેશમાં આવીને અસંસદીય શબ્દોનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો અને થોડા સમય માટે ગૃહનું વાતાવરણ તંગ બની ગયું હતું.
‘નવા બિલમાં માત્ર આંકડા બદલાયા છે’- ખડગે
એન્ટી પેપર લીક બિલ અંગે પણ ખડગેએ સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે નવા બિલમાં માત્ર આંકડા અને સજાની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખડગેના જણાવ્યા મુજબ બિલમાં વધુ દંડ, કડક સજા અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જેવી જોગવાઈઓ કરવામાં આવી છે, પરંતુ માત્ર સજા કડક કરવાથી પેપર લીકની સમસ્યાનો ઉકેલ આવશે નહીં. તેમણે કહ્યું કે મુખ્ય સવાલ એ છે કે દેશની પરીક્ષા વ્યવસ્થાને કેવી રીતે મજબૂત બનાવવામાં આવે, જેથી પેપર લીકની ઘટનાઓ અટકાવી શકાય.
‘2024માં જ સરકારને સૂચનો આપ્યા હતા’
ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે વર્ષ 2024માં જ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અને પેપર લીક રોકવા માટે સરકારને સૂચનો આપ્યા હતા, પરંતુ તે સમયે સરકારે વિપક્ષની વાત સ્વીકારી નહોતી. તેમણે આરોપ લગાવ્યો કે તે સમયે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી સરકાર રાજકીય મુદ્દાઓમાં વ્યસ્ત હતી. ખડગેએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે યાત્રા દરમિયાન પણ પેપર લીકના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. ખડગેએ વધુમાં કહ્યું કે સરકાર એટલી ઉતાવળમાં કાયદો લાવી હતી કે હવે માત્ર બે વર્ષમાં જ તેમાં સુધારો કરવાની જરૂર પડી રહી છે.
રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન ખડગેના આક્રમક નિવેદનો અને સત્તાપક્ષના વિરોધને કારણે સમગ્ર ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: PM મોદીના વીડિયો મામલે Metaનું મોટું એક્શન: VIP પોસ્ટની મલ્ટિ-લેવલ સમીક્ષા થશે












