પ્રખ્યાત પાન મસાલા કંપનીના માલિકની પુત્રવધૂએ કરી આત્મહત્યા
દિલ્હીમાં કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયાએ પોતાના ઘરે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી જેમાં કોઈ પર સીધો આરોપ નથી પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સંબંધોના મહત્વ વિશે લાગણીઓ લખવામાં આવી છે.
અહેવાલો અનુસાર, દીપ્તિ ચૌરસિયાના લગ્ન 2010 માં કમલ કિશોરના પુત્ર હરપ્રીત ચૌરસિયા સાથે થયા હતા. તેમને 14 વર્ષનો પુત્ર છે. પરિવારના જણાવ્યા અનુસાર, દીપ્તિ છેલ્લા કેટલાક સમયથી માનસિક તકલીફથી પીડાતી હતી. જોકે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ ન હોય તો જીવન અર્થહીન છે: દીપ્તિ ચૌરસિયા
સૂત્રો કહે છે કે દીપ્તિએ સુસાઇડ નોટમાં કોઈ પર આરોપ લગાવ્યો નથી. તેણીએ લખ્યું છે કે કોઈપણ સંબંધનો પાયો પ્રેમ અને વિશ્વાસ છે અને જો આ બંને ગેરહાજર હોય તો સંબંધમાં રહેવાનું કે આગળ વધવાનું કોઈ કારણ નથી. પોલીસ સુસાઇડ નોટની ફોરેન્સિક તપાસ પણ કરી રહી છે.
દીપ્તિએ સ્કાર્ફ વડે લટકીને કરી આત્મહત્યા
પોલીસના જણાવ્યા મુજબ, દીપ્તિએ ઘરે સ્કાર્ફ વડે લટકીને પોતાનું જીવન સમાપ્ત કર્યું. ઘટનાની જાણ થતાં પરિવાર અને સંબંધીઓ આઘાતમાં છે. પોલીસે રૂમ સીલ કરી દીધો છે અને ઘટનાસ્થળની તપાસ કરી રહી છે.
દિલ્હી સફદરજંગ હોસ્પિટલમાં પીએમ થશે
દીપતિનું પોસ્ટમોર્ટમ સફદરજંગ હોસ્પિટલમાં કરવામાં આવશે જેના માટે ડોકટરોની એક ખાસ પેનલ બનાવવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે, પોલીસ આગળની કાર્યવાહીનો નિર્ણય લેશે.
દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી
હાલમાં પોલીસે કલમ 174 (CrPC) હેઠળ કેસ નોંધ્યો છે. પરિવારના સભ્યોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં હત્યા કે બાહ્ય દબાણના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ કેસને સંવેદનશીલ ગણીને પોલીસ દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.












