કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જામનગરની ગુરુકુલમાં વિદ્યાર્થી વાળમાં તેલ નાંખીને આવ્યો નહોતો, શિક્ષકે વિદ્યાર્થીના વાળ બ્લેડથી કાપ્યા ને પછી

જામનગર, તા. 24 સપ્ટેમ્બર, 2025: જામનગરની સ્વામિનારાયણ ગુરુકુલમાં એક વિદ્યાર્થીના વાળ બ્લેડથી કાપી નાખવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. આ વિદ્યાર્થીનો વાંક ફક્ત એટલો જ હતો કે તેણે પોતાના વાળમાં તેલ લગાવ્યું ન હતું. આ ઘટના બાદ વિદ્યાર્થીના પરિવારે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. મામલો સામે આવતાં શિક્ષણ વિભાગે શાળાને કારણદર્શક નોટિસ ફટકારી હતી.

શિક્ષકને બરતરફ કરાયા

ગુરુકુલના ડિરેક્ટર શશીબેન દાસે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. તેમણે માહિતી આપી કે જે તે વ્યાયામ શિક્ષકે આ કૃત્ય કર્યું હતું તેને બરતરફ કરી દેવામાં આવ્યો છે અને તમામ શિક્ષકોને ભવિષ્યમાં આવા કોઈ પગલાં ન ભરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. શશીબેને ઉમેર્યું કે, સામાન્ય રીતે લાંબા વાળ હોય તો પહેલાં બાળકોને ચેતવણી આપવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં આવું કરવામાં આવ્યું ન હતું.

શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી

જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ જણાવ્યું કે, જામનગરની બે અલગ-અલગ શાળાઓમાંથી બાળકોના વાળ કાપવાની ફરિયાદ મળી હતી. તેમણે કહ્યું કે, બંને શાળાઓના શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.

પરિવારનો આક્રોશ

પીડિત વિદ્યાર્થીની માતા અંજલિબેન ગંઢાએ જણાવ્યું કે, શાળામાં બાળકોને નાની-નાની ભૂલો માટે પણ કડક સજા કરવામાં આવે છે. જેમ કે, ક્યારેક પુસ્તક ભૂલી જાય તો ૧૦૦ ઉઠક-બેઠક કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, બાળકો હવે શાળાના નામથી પણ ડરવા લાગ્યા છે. આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે બાળકોને સજા આપવાની રીત કેટલી કડક હોવી જોઈએ અને શાળાઓમાં શિસ્ત જાળવવાની મર્યાદા ક્યાં સુધી હોવી જોઈએ.

Back to top button