Jamnagar : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે કૃત્રિમ વોટરપોઈન્ટ કાર્યરત

Artificial Water Points For Animals In Jamnagar: ઉનાળાની અસહ્ય ગરમી અને પાણીની અછત વચ્ચે અબોલ વન્યજીવોની તરસ છિપાવવા જામનગર વન વિભાગે માનવતાભર્યો અને પ્રશંસનીય અભિગમ અપનાવ્યો છે. વન્યપ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણમાં જ સરળતાથી પાણી મળી રહે તે માટે વિભાગ દ્વારા કુલ 23 કૃત્રિમ વોટરપોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જે હાલ અનેક પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
જંગલ વિસ્તારોમાં આ વોટરપોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા
વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વિવિધ જંગલ વિસ્તારોમાં આ વોટરપોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે. પાણીની સતત ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે ક્ષેત્રીય સ્ટાફ દ્વારા દિવસ-રાત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોલાર વોટર પંપ, પાણીના ટેન્કર અને ડંકી જેવી વ્યવસ્થાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. પરિણામે, ઉનાળાની કપરા સમયમાં વન્યજીવોને પાણી માટે માનવ વસાહતો તરફ ભટકવું પડતું નથી.

વન વિભાગે વોટરપોઈન્ટ્સ પાસે ટ્રેપ કેમેરા પણ લગાવ્યા
વન્યપ્રાણીઓની સુરક્ષા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વન વિભાગે વોટરપોઈન્ટ્સ પાસે ટ્રેપ કેમેરા પણ લગાવ્યા છે. આ કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં શિડયુલ-૧ હેઠળ આવતા દીપડા, રાષ્ટ્રીય પક્ષી મોર તેમજ હરણ, નીલગાય અને અન્ય તૃણાહારી પ્રાણીઓ નિર્ભય બની પાણી પીતા જોવા મળ્યા છે. આ દ્રશ્યો વન વિભાગની સંરક્ષણલક્ષી કામગીરીની સફળતા અને અસરકારકતાનો જીવંત પુરાવો પૂરું પાડે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વન વિભાગની પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતા
જામનગર વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ પહેલ માત્ર પાણી પૂરું પાડવાની કામગીરી નથી, પરંતુ પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. જૈવ વૈવિધ્યના સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિભાગે ભવિષ્યમાં પણ આવી પ્રકૃતિમૈત્રી કામગીરી સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.












