કાશ્મીરમાં અશોક સ્તંભ તોડવા મામલે વધ્યો વિવાદ, 25થી વધુ લોકોની કરાઈ અટકાયત

Ashok Stambh Controversy: શ્રીનગરમાં આવેલા પ્રસિદ્ધ હઝરતબલ દરગાહમાં લગાવવામાં આવેલા અશોક ચક્ર (રાષ્ટ્રીય પ્રતીક)ની તોડફોડના સંદર્ભે 25થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારની નમાજ પછી બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વિવાદ અને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજ અને અન્ય વીડિયોની તપાસના આધારે આ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈની સત્તાવાર ધરપકડ કરવામાં આવી નથી.
અશોક સ્તંભવાળી તકતી લગાવતા વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત ગુરુવારે (4 સપ્ટેમ્બર) હઝરતબલ દરગાહ પર અશોક સ્તંભ (રાષ્ટ્રીય પ્રતીક) વાળી તકતી લગાવવામાં આવી ત્યારે થઈ હતી. જ્યાં પયગંબર મોહમ્મદના પવિત્ર અવશેષ રાખવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી કેટલાક શ્રદ્ધાળુઓએ તેને ઇસ્લામિક એકેશ્વરવાદ (તૌહીદ) વિરુદ્ધ માનીને તોડી નાખી અને દૂર કરી દીધી.
રાજકીય પક્ષો અને સંગઠનો પ્રતિક્રિયાઓ
નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને સીપીઆઈ(એમ) એ આ પગલાને ભડકાઉ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું અને વકફ બોર્ડના અધ્યક્ષ દરક્ષણ અંદ્રાબી સામે કાર્યવાહીની માંગ કરી હતી.
ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, વકફ બોર્ડે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ. ધાર્મિક સ્થળોમાં સરકારી ચિહ્નનો ઉપયોગ થતો નથી. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ સરકારી સંસ્થાઓ નથી. તો, ભાજપે આ તોડફોડની નિંદા કરી હતી અને તેને આતંકવાદ અને અલગતાવાદને ફરીથી ઉપસાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
આ દરમિયાન, દારક્ષન અંદ્રાબીએ તે લોકોને ‘ગુંડા’ કહ્યા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, જાહેર સલામતી કાયદા હેઠળ કેસ દાખલ થવો જોઈએ. તેના જવાબમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પહેલા માફી તો માંગવી જોઈતી હતી, હવે ધમકીઓનો આશરો લેવામાં આવી રહ્યો છે. વક્ફ બોર્ડે જનતાની લાગણીઓ સાથે રમત રમી રહી છે. પોલીસે આ મામલે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ ભારે વરસાદ વચ્ચે તંત્રનો મહત્ત્વનો નિર્ણયઃ આવતીકાલે બનાસકાંઠાની તમામ શૈક્ષણિક સંસ્થા રહેશે બંધ
આ પણ વાંચોઃ મફત અનાજથી લઈને મુસાફરી… ચૂંટણી પહેલા જાણો ઉપરાષ્ટ્રપતિને કઈ-કઈ સુવિધા મળે છે












