ગુજરાતટ્રેન્ડિંગ

ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ

  • પોઈન્ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને નોટિસો
  • વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો ફસાઈ જશો
  • જાહેર ન કરેલી આવક માટે 50 ટકાનો દંડ પણ કરવામાં આવે છે

રીવોર્ડ પોઈન્ટ મેળવવા માટે અન્યના ખર્ચના પેમન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારાઓને માથે ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી રહી છે. તેમની આવક કરતાં ખર્ચ વધી જતાં હોવાના કેસમાં તેમણે આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે.

પોઈન્ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને નોટિસો

ક્રેડિટ કાર્ડના વહેવારો આવકવેરાના રિટર્નમાં દર્શાવ્યા જ ન હોવાથી જાહેર ન કરેલી આવક ગણી લઈને તેમને નોટિસો આપવામાં આવી રહી છે. ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને રિવોર્ડ પોઈન્ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને આ પ્રકારની નોટિસો મળી રહી છે.

નાણાંકીય વહેવારોની વિગતો પકડી પાડવાની સિસ્ટમ ખૂબ મજબૂત

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરદાતાઓ કોઈ હાઉસ રેન્ટ એલાવન્સ ક્લેઈમ કરી શકે તે માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે. એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં નાણાંકીય વહેવારોની વિગતો પકડી પાડવાની સિસ્ટમ ખૂબ મજબૂત થઈ છે. આવકવેરા વિભાગ પેમેન્ટની આ પેટર્ન ઝડપથી ઓળખી શકે છે.

જાહેર ન કરેલી આવક માટે 50 ટકાનો દંડ પણ કરવામાં આવે છે

આવકવેરા અધિકારીઓ આ ખર્ચને જાહેર ન કરેલા ખર્ચ તરીકે ઓળખાવીને તેને પર ટેક્સ ડિમાન્ડ કાઢે છે. આવકવેરા ધારાની કલમ 270-એની જોગવાઈ હેઠળ જાહેર ન કરેલી આવક માટે 50 ટકાનો દંડ પણ કરવામાં આવે છે. આવકવેરા ખાતું તેને ગંભીર ગુનો ગણી લઈને તેના પર 200 ટકા સુધીનો દંડ પણ કરે છે. ક્રેડિટ કાર્ડથી બીજા માટે કરેલા પેમેન્ટ થકી કમાયેલા રીવોર્ડ પોઈન્ટના નાણાં પણ આવકવેરા ખાતું જપ્ત કરી લે છે.

વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો ફસાઈ જશો

ક્રેડિટ કાર્ડનો વપરાશ કરનાર ઇન્કમટેક્સ રિટર્નમાં તેની વાર્ષિક આવક રૂ. 5થી 6 લાખ બતાવતો હોય અને તેણે ક્રેડિટ કાર્ડથી કરેલો ખર્ચ રૂ. 10થી 15 લાખનો થઈ જાય તો કરદાતાને કલમ 142(1) અને કલમ 148-એ હેઠળ નોટિસ પાઠવી દેવામાં આવે છે. રીવોર્ડ પોઈન્ટ કે કેશબેક પર ટેક્સ લગાડવાની સીધી કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી. સામાન્ય રીતે તેને વેરામુક્ત ડિસ્કાઉન્ટ ગણી લેવામાં આવે છે. છતાં કેશબેકની રકમ સીધી બેન્કમાં જમા થાય અને રકમ મોટી હોય તો તેના પર ટેક્સની જવાબદારી આવી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા કેસનો આંકડો જાણી ચોંકી જશો

Back to top button