પશ્ચિમ એશિયામાં મોટી હલચલ: લેબનોન પરથી અમેરિકાએ 4 દાયકા જૂનો ફ્લાઇટ પ્રતિબંધ હટાવ્યો

US Lifts 4-Decade Flight Ban on Lebanon: શનિવારે પશ્ચિમ એશિયાના રાજકીય અને ભૌગોલિક પરિદ્રશ્યમાં ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે. અમેરિકાએ લેબનોન પરથી ચાર દાયકા જૂનો ઓવરફ્લાઇટ પ્રતિબંધ હટાવી લેતાં લેબનોને તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. બીજી તરફ સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર યમનના હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 3 વિમાનોને નુકસાન પહોંચ્યું છે. આ સિવાય સુદાનમાં થયેલા ભયાનક ડ્રોન હુમલામાં માસૂમ બાળકો સહિત ઓછામાં ઓછા 40 લોકોના મોત નિપજ્યા છે.
અમેરિકાએ લેબનોન પરનો 4 દાયકા જૂનો ફ્લાઇટ બેન હટાવ્યો
લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને અમેરિકી વહીવટીતંત્રના આ નિર્ણયને લેબનોનની નાગરિક ઉડ્ડયન સુરક્ષા સિસ્ટમ પર અમેરિકાના વધતા વિશ્વાસના પ્રતિક તરીકે વર્ણવ્યો છે. વર્ષ 1985 માં TWA ફ્લાઇટ 847 ના હાઇજેકિંગ બાદ તત્કાલીન રીગન વહીવટીતંત્ર દ્વારા બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઇટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ આઉનની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન ટ્રમ્પે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની અચાનક જાહેરાત કરી હતી. આ પ્રતિબંધ હટાવવાનો સત્તાવાર આદેશ આશરે 2 અઠવાડિયા પહેલાં જ આપી દેવાયો હતો, પરંતુ શનિવારે તેની જાહેરમાં જાહેરાત કરાઈ હતી. ઇઝરાયલ સાથેના યુદ્ધમાં હિઝબુલ્લાહ નબળો પડતાં આ આંતરરાષ્ટ્રીય ફેરફાર જોવા મળ્યો છે.
રિયાધ એરપોર્ટ પર હુથી બળવાખોરોનો મિસાઇલ હુમલો
યમનના ઇરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા ગુરુવારે રિયાધ એરપોર્ટ પર કરવામાં આવેલા હુમલામાં 3 વિમાનોને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું છે. સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તામંડળના જણાવ્યા મુજબ, આ હુમલામાં 3 સાઉદી નાગરિકોના મોત થયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ફ્લાઇટરાડાર24 (Flightradar24) ના આંકડા અનુસાર, હુથીઓએ શુક્રવારે સાંજે વધુ એક મિસાઇલ દાગી હતી, જેના કારણે રિયાધ એરપોર્ટ પર એર ટ્રાફિક ખોરવાયો હતો અને ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુદાનના નાઇલ પ્રાંતમાં ભયાનક ડ્રોન સ્ટ્રાઇક
શુક્રવારે ઇથોપિયન સરહદ નજીક આવેલા બ્લુ નાઇલ પ્રાંતના અબુ શાંડી વિસ્તારમાં એક લોહિયાળ ડ્રોન હુમલો થયો હતો. માનવઅધિકાર સંસ્થા ‘ઇમરજન્સી લોયર્સ’ ના અહેવાલ મુજબ, આ ડ્રોન હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 40 નિર્દોષ લોકો માર્યા ગયા છે. આ હુમલા માટે વર્ષ 2023 થી સુદાનની સેના સામે લડી રહેલા ‘રેપિડ સપોર્ટ ફોર્સિસ’ (RSF) નામના અર્ધલશ્કરી દળને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવતાવાદી વિભાગે આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. ACLED ના અહેવાલો મુજબ, આ ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં 1,50,000 થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
આ પણ વાંચો: રિયાધ એરપોર્ટ ફરી નિશાન પર! ધડાકા બાદ એરપોર્ટ ખાલી, ફ્લાઇટ્સ પર બ્રેક












