ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, લાબુશેનને ફરી તક મળી

Australia Test Squad : ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસ માટે પોતાની 16 સભ્યોની ટેસ્ટ ટીમ (Test Squad) જાહેર કરી છે. બંને ટીમો વચ્ચે આ મહિને ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા માર્નસ લાબુશેન (Marnus Labuschagne) પર પસંદગીકારોએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

લાબુશેન ઉપરાંત કૂપર કોનોલી (Cooper Connolly), માઈકલ નેસર (Michael Neser) અને મેથ્યુ કુહનેમેન (Matthew Kuhnemann)ને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

લાબુશેનને મળ્યો વધુ એક મોકો

માર્નસ લાબુશેન છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જુલાઈ 2023 બાદ તેની છેલ્લી 43 ટેસ્ટ ઇનિંગ્સમાં બેટિંગ સરેરાશ માત્ર 24ની આસપાસ રહી છે અને આ દરમિયાન તેના બેટમાંથી એક પણ સદી આવી નથી.

ખરાબ ફોર્મને કારણે તેને ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામેની વનડે ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સામેની તાજેતરની મેચોમાં પણ તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેમ છતાં ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ નંબર-3ના બેટ્સમેન તરીકે તેને ટેસ્ટ ટીમમાં જાળવી રાખ્યો છે.

કોનોલીને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન

કૂપર કોનોલીને વધારાના બેટિંગ વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હજુ સુધી તેના નામે સદી નથી. જોકે, જૂનમાં બાંગ્લાદેશ સામેની વનડે મેચમાં ઓપનર તરીકે સદી ફટકારીને તેણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

જોશ ઇંગ્લિસ (Josh Inglis)ને પણ ટીમમાં બેકઅપ બેટ્સમેન તેમજ વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

ઈજામાંથી નેસરની વાપસી

માઈકલ નેસર પણ ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થઈને ટીમમાં પરત ફર્યો છે. ઓગસ્ટની શરૂઆતમાં ટ્રેનિંગ દરમિયાન તેને કાફમાં ઈજા થઈ હતી. હવે તેને ટીમમાં પાંચમા ઝડપી બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

નેસર ઉપરાંત પેટ કમિન્સ (Pat Cummins), મિચેલ સ્ટાર્ક (Mitchell Starc), જોશ હેઝલવુડ (Josh Hazlewood) અને સ્કોટ બોલેન્ડ (Scott Boland) ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે. કેમેરોન ગ્રીન (Cameron Green) અને બ્યુ વેબસ્ટર (Beau Webster) ટીમના બે ઓલરાઉન્ડર હશે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ

પેટ કમિન્સ (કપ્તાન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લાયન, માઈકલ નેસર, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને બ્યુ વેબસ્ટર.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લાબુશેનને ફરી તક મળ્યા બાદ હવે તેની નજર પોતાના ફોર્મમાં સુધારો કરીને ટીમના વિશ્વાસને સાચો સાબિત કરવા પર રહેશે. દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના બેટિંગ અને ઝડપી બોલિંગ આક્રમણની પણ કસોટી થશે.

Back to top button