પાકિસ્તાનમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો, મહિલા સહિત 10નાં મોત

Cylinder Blast : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એમ્બ્યુલન્સમાં રાખવામાં આવેલા ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ઘટના થારપારકર જિલ્લાના નગરપારકર વિસ્તારમાં બની હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સ દાનો ધંધલ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એક મહિલાને જિલ્લા હોસ્પિટલ મીઠી લઈ જઈ રહી હતી. મહિલાની પ્રસૂતિ બાદ તબિયતમાં ગંભીર ગૂંચવણો ઊભી થતાં તેને વધુ સારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી.
10 લોકોનાં મોતની પુષ્ટિ થઈ
થારપારકરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) આરિફ અઝીઝ જાફરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જેમાં સંબંધિત મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ખસેડતી વખતે ડ્રાઇવરથી તેમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં બસ પલટતાં 11નાં મોત, 30થી વધુ ઘાયલ
આ અગાઉ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાજનપુરમાં પણ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કરાચીથી ડેરા ગાઝી ખાન જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ હાઇવે પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પાકિસ્તાનની રાષ્ટ્રીય ઇમરજન્સી સેવા રેસ્ક્યૂ 1122ના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ બસની ઝડપ વધુ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પંજાબનાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. તેમણે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
આ ઘટનાના આશરે એક અઠવાડિયા પહેલાં પેશાવરમાં એક ખાનગી શાળાની છત ધરાશાયી થતાં 30 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ સામે આવ્યા હતા. મૃતકોમાં 29 બાળકોનો સમાવેશ થતો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. દેશમાં સતત બની રહેલી આવી દુર્ઘટનાઓને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે.
આ પણ વાંચો : નેતન્યાહુની પાર્ટી સૌથી મોટી બની, છતાં સત્તા માટે અરબ પક્ષો બન્યા નિર્ણાયક












