મોદી-જિનપિંગ મુલાકાત પહેલાં ચીનનો મોટો સંદેશ, મતભેદો ઉકેલવા સાથે કામ કરવાની તૈયારી

Modi Jinping : BRICS સમિટ 2026 (BRICS Summit 2026)ની શરૂઆત સાથે નવી દિલ્હીમાં વિશ્વના અનેક મોટા નેતાઓનું આગમન થયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે આજે, 12 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠક (Bilateral Meeting) યોજાવાની છે. આ મુલાકાત પહેલાં ચીન તરફથી ભારત સાથેના સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
સતત ત્રીજા વર્ષે બંને નેતાઓ એકબીજાને મળશે
ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ચીન અને ભારત બંને મોદી અને જિનપિંગ વચ્ચેની બેઠકની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કઝાન અને તિયાનજિનમાં થયેલી અગાઉની મુલાકાતો બાદ સતત ત્રીજા વર્ષે બંને નેતાઓ એકબીજાને મળશે.
રાજદૂતે વધુમાં જણાવ્યું કે ચીન ભારત સાથે મળીને બંને નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શનને અમલમાં મૂકવા, દ્વિપક્ષીય સંબંધોને લાંબા ગાળાના અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આગળ વધારવા તથા સંવાદ અને સહયોગ વધારવા માટે કામ કરવા ઈચ્છે છે. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચેના મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને સારા પાડોશી તથા પરસ્પર સહયોગી ભાગીદાર તરીકે સંબંધો આગળ વધારવા પર ભાર રહેશે.
ભારત-ચીન સંબંધોમાં ફરી વધી રહ્યો છે વિશ્વાસ
છેલ્લા બે વર્ષમાં ભારત અને ચીનના સંબંધોમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા જોવા મળ્યા છે. 2024માં કઝાન ખાતે યોજાયેલી BRICS સમિટ દરમિયાન મોદી અને જિનપિંગ વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારબાદ 2025માં તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પણ બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
હવે સતત ત્રીજા વર્ષે બંને નેતાઓની મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં વધતા વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચે સરહદ સહિતના કેટલાક મુદ્દાઓ પર મતભેદો હોવા છતાં, ઉચ્ચ સ્તરીય સંવાદ ફરી આગળ વધી રહ્યો છે.
China and India are arranging for the bilateral meeting between President Xi and Prime Minister Modi.
This will be the third year in a row for the two leaders to meet with each other, following their meetings in Kazan and Tianjin.
China will work with India to act on the… pic.twitter.com/jD3GeZpjZk
— Xu Feihong (@China_Amb_India) September 11, 2026
BRICSને લઈને ચીનનું ભારતને સમર્થન
ચીનના રાજદૂતે BRICS સહયોગને લઈને પણ ભારતના સમર્થનની વાત કરી છે. તેમણે કહ્યું કે ચીન BRICS સહયોગને મહત્વ આપે છે અને આ વર્ષે સફળ BRICS સમિટનું આયોજન કરવામાં ભારતને સમર્થન આપે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારત આ વર્ષે BRICS શિખર સંમેલનની યજમાની કરી રહ્યું છે. અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ તણાવ (Tariff Tension) અને બદલાતા વૈશ્વિક ભૂરાજકીય માહોલ વચ્ચે ભારત અને ચીન વચ્ચે વધતો સંવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : દિલ્હીમાં BRICS સમિટનો ભવ્ય પ્રારંભ, મોદી-પુતિન-જિનપિંગ સહિત દિગ્ગજો એક મંચે












