ટ્રેન્ડિંગવર્લ્ડ

કોંગોના કિન્શાસા શહેરમાં લગ્ન સમારંભમાં ભીષણ આગ, 22 લોકોનાં મોત

Fire At Wedding Party :  કોંગોની રાજધાની કિન્શાસામાં લગ્ન (WEDDING) સમારોહ દરમિયાન લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે. શહેરના લિંગવાલા જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે એક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે.

લિંગવાલા જિલ્લાના મેયર નોર્બર્ટ મુશિંગાએ કોંગોલીઝ પ્રેસ એજન્સીને જણાવ્યું કે હાલ મૃત્યુઆંક 22 છે, પરંતુ બચાવ કામગીરી અને તપાસ આગળ વધતાં આ આંકડો વધી શકે છે.

આગ ફેલાતાં મચી અફરાતફરી

લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ફેલાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સમારોહમાં હાજર લોકોએ પણ મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આગથી બચવા માટે લોકો સાંકડી જગ્યામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોવાથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. કેટલાક ઘાયલો અને મૃતકોને લોકો રસ્તા પર લઈ આવ્યા હતા, જ્યાં તેમને મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આગનું કારણ હજુ રહસ્ય

આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. અધિકારીઓએ ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે અને આગના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

કોંગોના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી જેકેમિન શાબાનીએ શનિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે આ ઘટનાને દુઃખદ અને ગંભીર દુર્ઘટના ગણાવી હતી.

કિન્શાસામાં આગની ઘટનાઓ સામાન્ય

કિન્શાસાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આગની ગંભીર ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. શહેરમાં ઝડપથી વધી રહેલા શહેરી વિકાસની સરખામણીએ ફાયર સર્વિસ અને અન્ય ઇમરજન્સી સુવિધાઓ પૂરતી ન હોવાને કારણે આવી દુર્ઘટનાઓમાં ભારે નુકસાન થતું હોવાની ચર્ચા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષે પણ કિન્શાસામાં આગની અનેક ઘટનાઓ નોંધાઈ છે. હાલ લગ્ન સમારોહમાં લાગેલી આગ અંગે સત્તાવાળાઓ અંતિમ મૃત્યુઆંક અને ઘટનાનું ચોક્કસ કારણ જાહેર કરે તેની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : દેખાવમાં મોડલ જેવી યુવતીએ ટ્રેનમાં 75 લીટર દારુ સાથે ઝડપાઈ, દારુબંધીના ધજાગરા ઉડ્યા

Back to top button