ભારતે એચસીએલ-ફોક્સકોનના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસને લીલીઝંડી આપી

નવી દિલ્હી, 15 મે, 2025: કેન્દ્ર સરકારે 37.06 અબજ રૂપિયાના સ્થપાનારા એચસીએલ ગ્રુપ અને તાઇવાનની ફોક્સકોન વચ્ચેના સંયુક્ત સાહસને લીલીઝંડી આપી દીધી છે. આ મંજૂરી ગઇકાલે કેબિનેટમાં આપવામાં આવી હતી.
સૂચિત પ્લાન્ટ ઉત્તર પ્રદેશમાં જેવર એરપોર્ટ પાસે આકાર લેશે. જેને મહિને 20,000 વેફર્સ બનાવી શકે તેવી ક્ષમતા સાથે ડિઝાઇન કરાયો છે અને તે 36 મિલીયન ડીસ્પ્લે ડ્રાઇવર ચિપ્સનું ઉત્પાદન કરી શકે છે એમ ગઇકાલે માહિતી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવતા ઉમેર્યુ હતું કે સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ આ 6ઠ્ઠો પ્લાન્ટ છે, જેનું 2027માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ઇલેક્ટ્રોનીક્સ ઉત્પાદનમાં ભારતની ભૂમિકામાં વધારો કરવા માટે ભારતની આર્થિક વ્યૂહરચનામાં ચિપ ઉત્પાદનને ટોચની અગ્રિમતા આપી છે, જોકે હાલમાં દેશમાં એક પણ ચિપનું ઉત્પાદન કરતી સવલત કાર્યરત નથી.
ચાલુ મહિનાના પ્રારંભમાં રોઇટર્સે દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક અહેવાલમાં જણાવ્યું હતુ કે વ્યાપારી માંગની અનિશ્ચિતતાનો મુદ્દો આંતરિક સમીક્ષામાં ઉઠાવવામાં આવતા ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીએ ઇઝરાયેલની ટાવર સેમિકન્ડક્ટર સાથે 10 અબજ ડોલરના ખર્ચે ચિપ પ્રોજેક્ટની વાટાઘાટ સ્થગિત કરી છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે શરૂઆતમાં સપ્ટેમ્બરમાં અદાણી-ટાવર સાહસ માટે મંજૂરીની જાહેરાત કરી હતી, જે દર મહિને 80,000 વેફરનું ઉત્પાદન કરશે અને 5,000 રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા હતી.
2023માં, ફોક્સકોનનું ભારતીય સમૂહ વેદાંત સાથેનું 19.5 અબજ ડોલરનું સંયુક્ત સાહસ પ્રોજેક્ટ ખર્ચમાં વધારો અને પ્રોત્સાહનો મંજૂર કરવામાં વિલંબને કારણે પડી ભાંગ્યુ હતુ.
અડચણો છતાં, અન્ય ચિપ પ્રોજેક્ટ્સ વિકાસ હેઠળ છે, જેમાં ટાટા ગ્રુપ દ્વારા 11 અબજ ડોલર ચિપ ઉત્પાદન અને પરીક્ષણ સુવિધા અને યુએસ સ્થિત માઇક્રોન દ્વારા 2.7 અબજ ડોલરના ચિપ પેકેજિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ભયાનક હત્યાનો લાઈવ વીડિયો, બ્યૂટી ઈન્ફ્લૂએંસરને માથામાં અને છાતી પર ગોળી મારી દીધી












